(Photo by Justin SetterfieldGetty Images)

યુકેમાં સરકારે આજે કેરહોમ્સમાં મોતને ભેટેલા કમનસીબ લોકો અને હોસ્પિટલમાં મરણ પામેલા લોકોનો સંયુક્ત મરણ આંક 26,097 થયો હતો. જે પૈકી કેર હોમ્સમાં 3,811 લોકોના મોત નિપજ્યાં હતાં. છેલ્લા 24 કલાકમાં કુલ 765 લોકોના મોત નીપજ્યાં હતાં. સ્કોટલેન્ડમાં 83 અને વેલ્સમાં 73 લોકોના મોત નિપજ્યાં હતાં. એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમ્સને જણાવ્યું હતું કે શાળાઓ ‘તબક્કાવાર’ ખોલવામાં આવશે. એટલે કે બધા બાળકો એક જ સમયે પાછા આવશે નહીં. પણ શાળાઓ ફરી ક્યારે શરૂ થશે તે તેમણે જણાવ્યુ નહતુ.

એનએચએસ ઇંગ્લેન્ડે જાહેર કર્યું હતુ કે તેની હોસ્પિટલોમાં 445 વધુ લોકોનાં મોત થયાં હતા. જે ગઈકાલના 552 મરણ કરતા 93 જેટલા ઓછા હતા. તા. 20 એપ્રિલ, સોમવારે 14 વર્ષિય તંદુરસ્ત કિશોરનુ મરણ થયુ હતુ. કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે તેઓ હવે માને છે કે હોસ્પિટલો કરતાં કેર હોમ્સમાં વધુ લોકો મરી રહ્યા છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સના અહેવાલ મુજબ કેર હોમ્સમાં 6,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે. પરંતુ સરકાર નિયમિત ટેસ્ટ કરતી નહીં હોવાથી જે લોકોના ટેસ્ટ કોરોનાવાયરસ પોઝીટીવ નથી હોતા તેમના મોત કોવિડ-19 તરીકે ગણવામાં આવતા નથી.

સ્કોટલેન્ડમાં થતા મોત પૈકી અડધા મોત હોસ્પિટલોમાં થાય છે જ્યારે બાકીના કેરહોમમાં થાય છે. નેશનલ રેકોર્ડ્સ ઓફ સ્કોટલેન્ડના જણાવ્યા મુજબ 26 એપ્રિલ સુધીમાં કોવિડ-19ના કારણે 2,272 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 886 કેર હોમ્સમાં અને 198 તેમના ઘરે અથવા અન્ય જગ્યાએ મૃત્યુ પામ્યા હતા.

સ્કોટલેન્ડમાં 20થી 26 એપ્રિલની વચ્ચે કોરોનાવાયરસથી મરણ પામેલા 656 લોકોમાંથી 338 (52 ટકા) કેર હોમમાં મરણ પામ્યા હતા. જ્યારે 276 (42 ટકા) હોસ્પિટલોમાં મરણ પામ્યા હતા. બાકીના 42 પોતાના ઘરે અથવા બીજે ક્યાંક મોતને ભેટ્યા હતા. જ્યારે તા. 26 એપ્રિલ સુધીમાં કોવિડ-19ના કારણે સ્કોટલેન્ડમાં કુલ 2,272 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. જેમાંથી લગભગ 1,188 (52 ટકા) હોસ્પિટલમાં અને 886 (39 ટકા) કેર હોમમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે 198 (9 ટકા) ઘરે અથવા અન્યત્ર મૃત્યુ પામ્યા હતા.

મોતને ભેટેલા સૌથી નાના માત્ર 14 વર્ષના દર્દીને કોઈ અન્ય આરોગ્ય સમસ્યાઓ નહોતી. પણ તે જાણી શકાયું નથી કે તેને ‘ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ થયો હતો કે નહિ. પરંતુ જે બાળકો અને કિશોરોમાં કોરોનાવાયરસ હોય છે તેમને તે થવાની સંભાવનાઓ છે. કાવાસાકી રોગ જેવી બીમારીના કારણે પેટમાં દુખાવો થાય છે અને ‘ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ લક્ષણો’ શરૂ થાય છે, જે કોવિડ-19 સાથે જોડાયેલા હોવાનું જણાયું હતું. જોકે કેટલા બાળકોને આ બીમારી છે તે તે જાણી શકાયું નથી.

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કોઈ પણ કારણોસર મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક મહિનામાં લગભગ ત્રણ ગણી વધી ગઈ છે. માર્ચ મહિનામાં દર અઠવાડિયે આશરે 2,500 લોકોના મોતની સરખામણીમાં એપ્રિલના એક જ સપ્તાહમાં 7,300 લોકો મરણ પામ્યા હતા. જેમાંથી 2000થી વધુ કોવિડ-19ના કારણે મરણ પામ્યા હતા.

કેર ક્વોલિટી કમિશન (સીક્યુસી)ના અહેવાલો નુજબ કેર હોમ્સમાં દરરોજ સરેરાશ 400 લોકો કોરોનાવાયરસથી મૃત્યુ પામે છે જે ઇંગ્લેન્ડની હોસ્પિટલોની સંખ્યા સમાન છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ડેટા મુજબ દેશના તમામ નર્સિંગ હોમ્સમાંથી લગભગ ત્રીજા ભાગમાં કોરોનાવાયરસનો ફેલાવો થયો છે.

  • ઇબોલા માટેની દવા ના ઉત્પાદક ગિલિયડના જણાવ્યા અનુસાર કોવિડ-19થી ગંભીર રીતે બીમાર 397 લોકોને રીમડેસિવીર દવા આપવામાં આવતા પ્રારંભિક તબક્કામાં આશાસ્પદ પરિણામો આવ્યા હતા.
  • યુકેના ટ્રાવેલ એજન્ટ ટીયુઆઈએ આગામી છ અઠવાડિયાના તમામ હોલીડે બુકિંગ રદ કરી દીધા છે.
  • વિન્ડસર અને મેઇડનહેડ બરો કાઉન્સિલને નાદારી ફાઇલ કરવી પડી તેમ છે કારણ કે લૉકડાઉન નિયમોના કારણે પર્યટનની મંજૂરી ન હોવાથી કાઉન્સિલ પૈસા કમાઇ શકતી નથી.
  • વિદેશથી આવેલી મિડવાઇફ્સ અને સોશેયલ વર્કર્સને ઓછામાં ઓછા એક વર્ષ માટે તેમના વિઝા ઓટોમેટીક રીન્યુ કરી આપવામાં આવશે. જેથી તેઓ કોરોનાવાયરસ સંકટ દરમિયાન કાર્ય કરવાનું ચાલુ રાખી શકે.