અમેરિકા સ્થિત માઈક્રોન ટેક્નોલોજીએ  બુધવાર, 28 જૂને અમદાવાદ નજીક સાણંદ ખાતે રૂ. 22,500 કરોડનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને મેમરી-ચિપ્સના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનવા તરફનું એક “મોટું પગલું” ગણાવ્યું હતું.

સાણંદ GIDC -II ઔદ્યોગિક વસાહતમાં 93 એકરમાં એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ એન્ડ પેકેજિંગ (ATMP) પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટથી 5,000 સીધી નોકરીઓનું સર્જન થશે અને તે 18 મહિનામાં કાર્યરત થવાની અપેક્ષા છે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માઈક્રોન ટેક્નોલોજીના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ગુરશરણ સિંહની હાજરીમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આયોજિત ઔપચારિક સમારોહમાં એમઓયુ પર હસ્તાક્ષર કરાયા હતા.

ગુજરાત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર ઉત્પાદક કંપની સાથે આ બીજા એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2022માં, રાજ્ય સરકારે ગુજરાતમાં રૂ.1.54-લાખ કરોડનું યુનિટ સ્થાપવા માટે ફોક્સકોન-વેદાંત સંયુક્ત સાહસ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કંપનીએ યુનિટ માટે ધોલેરા SIR પસંદ કર્યું હોવા છતાં, કેન્દ્ર સરકારની ઔપચારિક મંજૂરી બાકી હોવાથી પ્રોજેક્ટ હજુ શરૂ થયો નથી.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન વિશ્વની અગ્રણી ચીપમેકર કંપની માઇક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની  જાહેરાત કરી હતી. કંપની પ્લાન્ટમાં 2.75 બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરશે. અમેરિકામાં કંપનીના CEO સંજય મહેરોત્રાની સાથે વડા પ્રધાન મોદીની બેઠક પછી આ પ્રોજેક્ટ્સની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

8 + 15 =