પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટનમાં બ્રેક્ઝિટ પછીની ઇમિગ્રેશન વ્યવસ્થાના પહેલાં વર્ષમાં બિન-ઇયુ માઇગ્રન્ટ્સનાં કામ અને અભ્યાસ માટેના આગમનમાં તીવ્ર વધારો નોંધાયો છે. ગૃહમંત્રાલયના ઇમિગ્રેશનના આંકડા પ્રમાણે ગત વર્ષે 239,987 કામ સંબંધિત વીઝા અપાયા હતા જે 2019 (મહામારી પૂર્વેના વર્ષ) કરતાં 25 ટકા વધારે હતા. આવા માઇગ્રન્ટ્સમાં દસમા ભાગના જ ઇયુ માઇગ્રન્ટો હતા. આ જ પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વિક્રમી 416000 હતી જે 2019 કરતાં 50 ટકાથી વધારે હતી. પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ પછી બ્રિટનની અડધી રોજગારીની તકો વિદેશી વર્કરો માટે ખુલી છે. અગાઉ જે તે રોજગાર આપનાર કંપની કે ઉદ્યોગ સાહસિકે સ્થાનિક સ્તરે યોગ્ય વર્કર નહીં મળવાથી વિદેશીને કામે રાખવાનું પુરવાર કરવું પડતું હતું પરંતુ હવે રસોઇયા, ઇલેકટ્રીશિયન, વેલ્ડર, આરોગ્ય, કેર-ટેકર જેવા ક્ષેત્રોના રોજગાર તથા સરકારે મોટા ભાગના વીઝા રૂટ ઉપરની ટોચમર્યાદા હટાવતા વિદેશીઓ માટે બ્રિટનમાં અનેક તકો ઉભી થઇ છે.

કિંગ્સ કોલેજના અર્થશાસ્ત્રના પ્રોફેસર જોનાથન પોર્ટેસે બિન-ઇયુ માઇગ્રન્ટ્સના વધારાને ઇમિગ્રેશન સિસ્ટમ ઉપર ‘બ્રેક્ઝિટ અસર’નું પરિણામ ગણાવ્યો હતો. પોર્ટેસે જણાવ્યું હતું કે મુક્ત અવરજવર અટકાવીને ઇયુમાંથી માઇગ્રેશનને ઘટાડવાની થેરેસા મેની મૂળ યોજના હતી. બ્રિટને દાખલ કરેલી નવી પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન વ્યવસ્થાના ભાગરૂપ નવા વીઝારૂટના કારણે બિન-ઇયુ માઇગ્રન્ટ્સનો વધારો થયો હતો. ગત વર્ષે દાખલ કરાયેલી ‘સ્કિલ્ડ વર્કર રૂટ’ની સ્કીમ હેઠળ યુ.કે.માં વધુ કુશળ માઇગ્રન્ટ્સ પ્રવેશ્યા હતા અને તે સંખ્યા ગત વર્ષ કરતાં 1.5 લાખથી વધારે હતી.
બિન-ઇયુ ઇમિગ્રેન્ટ્સમાં થયેલા તીવ્ર વધારામાં સૌથી વધારે પ્રમાણ ભારત, પાકિસ્તાન, નાઇજીરીયા અને ફિલિપાઈન્સનો વર્કર્સનું છે. સૌથી વધારે કુશળ વર્ક વીઝા ભારતીયોને અપાયા છે જે 2019 કરતાં 14 ટકા વધારે અર્થાત્ 67839નું પ્રમાણ દર્શાવે છે પરંતુ કુશળ વર્ક વીઝામાં ટકાવારીની દૃષ્ટિએ તીવ્ર વધારો નાઇજીરીયનોમાં નોંધાયો છે. 161 ટકા વધારા સાથે 10245 નાઇજીરીયનોને વર્ક વીઝા અપાયા હતા. બે વર્ષ પૂર્વે તેની સંખ્યા 3918 હતી. આ ઉપરાંત 9690 ફિલિપિનોને અને 4387 પાકિસ્તાનીઓને કુશળ વર્કર વીઝા અપાયા હતા.

કોરોના પ્રવાસ નિયંત્રણોના કારણે અમેરિકનોને કુશળ વર્કર વીઝામાં જોકે 25 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. 2020માં દાખલ થયેલા સોશિયલ કેર તથા હેલ્થકેર વીઝાના કારણે એનએચએસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ગત વર્ષે 65000 વીઝા અપાયા હતા. તેનો સીધો લાભ નાઇજીરીયનો અને ફિલિપાઈન્સના લોકોને મળ્યાનું ઓક્સફર્ડ યુનિવર્સિટીના મેડેલીન સમ્પ્શને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હેલ્થ કે આરોગ્ય ક્ષેત્રમાં પ્રવર્તતી કુશળ વર્કર્સની સતત અછત નિવારવામાં આ સાથે મદદ મળશે.

બ્રિટન આવનારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વિક્રમી વધારો નોંધાતાં 2019 કરતાં 50 ટકા વધારો થયો છે. ઇમિગ્રેશન નિષ્ણાતોના કહેવા પ્રમાણે અભ્યાસ પછીનો વર્ક વીઝા રૂટ દાખલ થવાથી જે તે વિદ્યાર્થીને ડીગ્રી મળ્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવાના મળતા લાભના કારણે પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. કોરોનાના કારણે લદાયેલા સરહદી નિયંત્રણોના કારણે પણ ઓસ્ટ્રેલિયા જેવા દેશો તથા નાઇજીરીયા જેવા ખરાબ સુરક્ષાવાળા દેશોના વિદ્યાર્થીઓ બ્રિટન તરફ વળ્યાનું મેડેલીન સમ્પ્શને જણાવ્યું હતું.

દરમિયાન ગૃહમંત્રાલયે પછીની વ્યવસ્થાના પહેલા વર્ષમાં વધેલા માઇગ્રન્ટ્સના વધારાને ઇમિગ્રેશન નીતિના ઉદારીકરણનું પરિણામ ગણાવ્યું હતું. ગૃહપ્રધાન પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ઇમિગ્રેશનના કારણે રાષ્ટ્રની સમૃદ્ધિ વધી છે. ગ્લોબલ ટેલન્ટ વીઝા અંતર્ગત વિશ્વભરમાંથી આવતા લોકો દેશના અર્થતંત્ર – સંસ્કૃતિ અને સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

ભારતના ગોવામાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરવા સપ્ટેમ્બરમાં પોતાનો પરિવાર છોડી લંડનની ડેન્ટલ પબ્લિક હેલ્થ ડીગ્રીનો અભ્યાસ કરનાર ફ્લેઉસ ડાયસના જણાવ્યા પ્રમાણે તેના માટે કેનેડા, અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાના વિકલ્પ હોવા છતાં વીઝા વ્યવસ્તામાં થયેલા ફેરફારોના કારણે તેણે બ્રિટન પસંદ કર્યું હતું. 24 વર્ષની ડાયસે જણાવ્યું હતું કે તે સમયે ભારતમાં ડેસ્ટીસ્ટ તરીકે કામ હોવા છતાં બ્રિટન આવવા માટેનું મજબૂત કારણ વીઝા વ્યવસ્થામાં ફેરફાર તથા વિદેશી વિદ્યાર્થીઓને ડીગ્રી પછી બે વર્ષ વસવાટની તક આવકારદાયક અભિગમ પણ નોંધનીય છે.
તેણે જણાવ્યું હતું કે ગોવા જેવું વાતાવરણ ના હોવા છતાં સ્થાયી થવા માટે યુનિર્સિટી તરફથી મળેલી સહાય પ્રશંસનીય છે.