બ્રેક્ઝિટને કારણે બંદરો પર થનાર વિલંબને ટાળવા માટે સરકાર દ્વારા ઘડાયેલી આકસ્મિક યોજનાઓ હેઠળ લશ્કરી વિમાન દ્વારા ફાઇઝર દ્વારા બેલ્જિયમમાં ઉત્પાદિત થતી કોવિડ-19 રસીના લાખો ડોઝ,  બ્રિટન પહોંચાડવામાં આવશે.

હેલ્થ એન્ડ સોશ્યલ કેર ડીપાર્ટમેન્ટ (ડીએચએસસી) અને મિનીસ્ટ્રી ઓફ ડીફેન્સના વરિષ્ઠ સૂત્રોએ શનિવારે ઓબ્ઝર્વર અખબારને પુષ્ટિ આપી હતી કે જો માર્ગ, રેલ અને દરિયાઈ માર્ગો પર તા. 1 જાન્યુઆરીથી જામીંગ રહેશે તો હવાઈ માર્ગે રસીનો મોટો જથ્થો યુકે લાવવામાં આવશે.

એમઓડી અને મીલીટરીના અધિકારીઓ તાજેતરમાં સરકારના વેક્સીન ટાસ્કફોર્સના અધિકારીઓને આ યોજનાઓની ચર્ચા કરવા માટે મળ્યા હતા. જેમાં વેક્સીનના ડોઝની ટ્રાન્સફરને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

લશ્કરી વિમાનોમાં વેક્સીન લાવવાનું કાર્ય સૌથી ઝડપી રહેશે અને વિલંબનું ઓછામાં ઓછું જોખમ હશે. વેક્સીન સેન્ટરની નજીકના લશ્કરી અથવા અન્ય એરપોર્ટો પરથી રસીના ડોઝ વહેંચવામાં પણ આસાની રહેશે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે શનિવાર તા. 5ના રોજ કહ્યું હતું કે ‘’રસી આવવાથી માર્ચ માસના અંત પહેલા પ્રતિબંધોને ઓછા કરવામાં સફળતા મળશે. સંસદમાં ઘડાયેલા કાયદાઓ દ્વારા નહીં પણ પરસ્પર આદર અને વ્યક્તિગત જવાબદારી સાથે જીવવા માટે હું રાહ જોઈ શકતો નથી. તેમાં કોઈ શંકા નથી કે રસી વહેલી આવવાથી આ બ્લાસ્ટર્ડ પ્રતિબંધોથી છુટકારો મેળવી શકીશું, પરંતુ ત્યાં સુધી આપણે તેનું પાલન કરવું પડશે, મદદ આવી રહી છે.”