બ્રિટનમાં 61,434 અને વિશ્વભરમાં 1.5 મિલીયન લોકો કોરોનાવાયરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને 67 મિલીયન લોકોને કોરોનાવાયરસથી બીમાર થઇ ચૂક્યા છે ત્યારે એનએચએસના ઇતિહાસની સૌથી મોટી રસી ઝુંબેશ આજે મંગળવારે તા.8ના રોજ સવારે શરૂ થઈ હતી. કોવેન્ટ્રીના 90-વર્ષીય દાદી માર્ગારેટ કીનન સવારે 6.31 કલાકે ફાઇઝરની કોવિડ-19 રસી પ્રાપ્ત કરનાર વિશ્વની સૌપ્રથમ વ્યક્તિ બન્યાં હતાં. મિત્રો અને કુટુંબીઓમાં મેગી તરીકે ઓળખાતા માર્ગરેટને કોવેન્ટ્રીની સ્થાનિક હોસ્પિટલમાં નર્સ મે પાર્સન્સ દ્વારા જીવન બચાવનાર રસી આપવામાં આવી હતી.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે મંગળવારને વી-ડે એટલે કે વેક્સીન ડે જાહેર કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘’પ્રથમ રસીકરણ જોઈને હું રોમાંચિત થયો હતો, પરંતુ હું લોકોને આગ્રહ કરૂ છું કે તેઓ પોતાનો સંકલ્પ જાળવી રાખે અને આગામી થોડા મહિના માટે નિયમોને વળગી રહે. રસીકરણ યોજનાની શરૂઆતને “ઐતિહાસિક ક્ષણ” ગણાવી કહ્યું હતું કે “હું દરેકને આ વાયરસને ડામવા માટે તેમની ભૂમિકા ભજવવા અને NHSના રક્ષણ માટે સ્થાનિક પ્રતિબંધોનું પાલન કરવાની વિનંતી કરું છું.”

એનએચએસ ઇંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ સર સાયમન સ્ટીવન્સે નવા રસીકરણ કાર્યક્રમના વિતરણમાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરી હતી.

લંડનની ગાય્ઝ હોસ્પિટલની મુલાકાતે ગયેલા વડા પ્રધાન બોરીસ જ્હોન્સને 81 વર્ષના લીન વ્હીલર સાથે વાત કરી હતી, જેઓ ત્યાં રસી મેળવનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ‘’લીને મને કહ્યુ હતું કે તેણી આ બ્રિટન માટે કરી રહી છે જે બરાબર છે – તે પોતાનું રક્ષણ કરે છે પણ સમગ્ર દેશનું રક્ષણ કરવામાં પણ મદદ કરી રહ્યા છે” એમ જ્હોન્સને કહ્યું હતું. તે પછી લીન વ્હીલરને રસી આપનાર નર્સ રેબેકા કેથરસાઇડ્સને બોરિસ જ્હોનસને બિરદાવ્યાં હતાં.

વડાપ્રધાને એનએચએસ અને “આ રસી વિકસાવવા માટે ખૂબ જ મહેનત કરનારા તમામ વૈજ્ઞાનિકો, સ્વયંસેવકો અને અન્ય લોકોની રક્ષા માટેના તમામ નિયમોનું પાલન કરતા હોય તેવા દરેકનો આભાર માન્યો હતો. કેટલાક  કેટલાક લોકોને પ્રથમ રસી મેળવતા જોઇને તેમણે કહ્યું હતું કે ‘’રસી મેળવવી એ તમારા માટે સારું છે અને તે આખા દેશ માટે સારું છે. આ અઠવાડિયે દેશભરમાં આશરે 70 જેટલી હોસ્પિટલો રસી આપવાની તૈયારી કરી રહી છે.

સ્ટીવન્સે જણાવ્યું હતું કે રોગ ફાટી નીકળ્યો અને તેના પ્રથમ કેસનું નિદાન થયાના એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં, એનએચએસએ હવે ક્લિનિકલી માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ કોવિડ-19 રસી આપી રહ્યું છે તે એક નોંધપાત્ર સિદ્ધિ છે. હૃદયપૂર્વક આભાર, આ સફળતા દરેકને આભારી છે જેમણે આ કાર્યને વાસ્તવિક બનાવ્યું છે – વિજ્ઞાનીઓ અને ડૉક્ટરો કે જેમણે અથાક મહેનત કરી હતી, અને સ્વયંસેવકો જેમણે નિ:સ્વાર્થપણે ટેસ્ટીંગમાં ભાગ લીધો હતો. આ દેશમાં આજ સુધી જોવામાં આવેલા સૌથી મોટા રસીકરણ કાર્યક્રમમાં આજે માત્ર પ્રથમ પગલું છે. કામ પૂર્ણ થવા માટે કેટલાક મહિનાઓનો સમય લાગશે. વધુ રસીનો પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આપણે કાળજી રાખવી પડશે. જો આપણે બધા આગળના અઠવાડિયા અને મહિનામાં જાગૃત રહીશું, તો આપણે વાયરસ સામેના યુદ્ધમાં નિર્ણાયક વળાંક આવતો જોવા માટે સમર્થ હોઈશું.

તબક્કાવાર રસીકરણ કાર્યક્રમમાં સૌપ્રથમ 80 અને તેથી વધુ ઉંમરના દર્દીઓને રસી અપાશે. જેઓ પહેલેથી જ એક આઉટપેશન્ટ તરીકે હોસ્પિટલમાં દાખલ છે અને જેમને હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા આપવામાં આવી રહી છે.  કેર હોમ પ્રોવાઇડર્સને પણ તેમના સ્ટાફનું બુકીંગ શરૂ કરવા જણાવ્યું છે.

“કોરોનાવાયરસ રસી એ યુકેમાં રોગચાળાના અંતની શરૂઆત છે. જો કે હું ચેતવણી આપું છું કે ફાઇઝર / બાયોએનટેક રસીનું વિતરણ એ મેરેથોન સ્પ્રિન્ટ નહીં હોય” એમ એનએચએસના નેશનલ મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિસે કહ્યું હતું.

પોવિસે સાઉથ લંડનની ક્રોયડન યુનિવર્સિટી હૉસ્પિટલની બહાર બોલતા જણાવ્યું હતું કે, ‘’જેમને જરૂર છે તે દરેકને રસી આપવામાં ઘણા મહિનાઓ લાગી જશે. ડૉક્ટર તરીકે મારા માટે આ ખરેખર ઉત્તેજક ક્ષણ છે. રસીકરણ કેન્દ્રો પર દેશભરના એનએચએસ સ્ટાફ મંગળવારે રસીકરણ શરૂ કરવા માટે તૈયાર છે તેની ખાતરી કરવા માટે અથાક કાર્ય કરી રહ્યા છે.” ક્રોયડન યુનિવર્સિટી હૉસ્પિટલ ખાતે રવિવારે વેક્સીનની ડિલિવરી લેનાર યુકેની પહેલી હોસ્પિટલો પૈકીની એક બની હતી.

મંગળવારથી શરૂ થયેલા પ્રથમ રસીકરણ કાર્યક્રમના પ્રારંભ માટેની તૈયારીઓ માટે સ્ટાફ વિકેન્ડ દરમિયાન કામ કર્યું હતું. આ પ્રોગ્રામનો વિકાસ થતાં જ વધુ હોસ્પિટલો આવતા અઠવાડિયા અને મહિનામાં રસીકરણ શરૂ કરશે. આ માટેની રસીઓનો પ્રથમ જ્થ્થો સોમવાર સુધીમાં હોસ્પિટલોમાં પહોંચી ગયો હતો.

એનએચએસ પાસે ફ્લૂ જેબ, એચપીવી રસી અને જીવન બચાવનાર એમએમઆર જેબ્સથી લઇને મોટા પાયે રસીકરણ કાર્યક્રમો પાર પાડવાનો મજબૂત રેકોર્ડ છે. મહેનતુ કર્મચારી ફરી એકવાર સૌથી સંવેદનશીલ લોકોને બચાવવા પડકાર તરફ આગળ વધશે.

યુકેના મેડીસીન રેગ્યુલેટર્સ દ્વારા કોરોનાવાયરસ સામેની રસીને મંજૂરી આપવામાં આવ્યા બાદ ઘણાં ઓપરેશનલ અને લૉજિસ્ટિક પગલાઓ જાહેર કરાયા છે જેથી વેક્સીન લોકોને આપી શકાય.

સરકારે, વેક્સીન ટાસ્કફોર્સ અંતર્ગત ફાઇઝર રસીના 40 મિલિયન ડોઝ મળી વિવિધ સાત રસી  ઉત્પાદકોના કુલ 357 મિલિયન ડોઝ સુરક્ષિત કર્યા છે જે યુકેની વસ્તી કરતા ઘણાં વધુ છે.

યુકેમાં રસીનું વિતરણ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને એનએચએસ દ્વારા ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમો માટે સફળતાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવતી સિસ્ટમ્સ દ્વારા ખાસ હાથ ધરવામાં આવી રહ્યું છે.

યુકે સરકારના તાજેતરના આંકડામાં, પોઝીટીવ ટેસ્ટીંગના 28 દિવસની અંદર 231 લોકોના મોત અને વધુ 17,272 કેસો નોંધાયા હતા.

  • અત્યાર સુધીમાં સરકારે કુલ 40 મિલિયન ડોઝનો આદેશ આપ્યો છે જે 20 મિલિયન લોકોને રસી આપવા માટે પૂરતા છે.
  • ગયા અઠવાડિયે ફાઇઝર બાયોએનટેક નિર્મીત રસીને રેગ્યુલેટર્સ દ્વારા યુકેમાં ઉપયોગ માટે માન્ય કરાયા બાદ 800,000 ડોઝ પહેલાથી જ ચેનલ ટનલ દ્વારા આયાત થઇ ચૂક્યા છે અને તેને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવી છે. વર્ષના અંત સુધીમાં કુલ પાંચ મિલિયન ડોઝ દેશમાં આવવાની ધારણા છે.
  • ટ્રાન્સપોર્ટેશન દરમિયાન રસીની ગુણવત્તા અને અખંડિતતા જાળવવા નિષ્ણાત મેડિકલ લોજિસ્ટિક્સ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
  • રસીના દરેક બૉક્સને મેન્યુઅલી ખોલીને અનપેક કરાશે. દરેક બૉક્સના તાપમાનનો ડેટા ડાઉનલોડ કરવો પડશે.
  • દરેક બૉક્સમાં 975 ડોઝના 5 પેક છે. ફક્ત જરૂરી એમએચઆરએ લાઇસન્સવાળી સાઇટ્સ જ રસીના પેકને અલગ કરી શકે છે.
  • એકવાર તમામ ચકાસણી પૂર્ણ થઈ ગયા પછી, ઇંગ્લેન્ડમાં આવેલી લગભગ 50 જેટલી એનએચએસની અધિકૃત કેન્દ્રને ઓર્ડર મુજબ રસી મોકલવામાં આવશે.
  • ફાઈઝર-બાયોએનટેક કોવિડ-19 રસી ખૂબ જ ઠંડા તાપમાને સંગ્રહિત કરવાની અને કાળજીપૂર્વક ખસેડવાની જરૂર છે. તેથી પ્રથમ “હોસ્પિટલ હબ્સ” દ્વારા રસીને ડિફ્રોસ્ટિંગ કરાશે અને પછી લોકોને આપવા માટે તૈયાર કરાશે.
  • જીપીના જૂથો દ્વારા સંચાલિત 1,000થી વધુ સ્થાનિક રસીકરણ કેન્દ્રો ટૂંક સમયમાં ઑનલાઇન જાહેર કરાશે અને જેમ રસીના વધુ ડોઝ દેશમાં આવશે તેમ તેમાં વધારો કરશે.
  • વધુ રસી મળ્યા બાદ મોટા પેકને વિભાજીત કરવામાં સમર્થ થઈ જવાયા બાદ સ્થાનિક ફાર્મસીઓ અને મોટા રસીકરણ કેન્દ્રો દ્વારા રસી આપી શકાશે.