Former Japanese Prime Minister Shinzo Abe
PHILIP FONG/Pool via REUTERS

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ટોકિયામાં રાજકીય સન્માન સાથે સત્તાવાર અંતિમવિધીમાં મંગળવારે વૈશ્વિક નેતાઓ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં હતા. આબેના અંતિમસંસ્કારનો કાર્યક્રમ ટોકિયાનો નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. અહીં મોદી સહિત વિશ્વના 700થી વધુ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આબેને 19 તોપોંની સલામી આપવામાં આવી હતી. આબેની યાદમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.

જાપાનમાં મંગળવારે આબેની વિવાદાસ્પદ સત્તાવાર અંતિમવિધી ચાલુ થઈ હતી. જંગી ખર્ચને કારણે આ અંતિમવિધીનો વિરોધ પણ થયો હતો. આ ઉપરાંત સત્તાવાર અંતિમવિધી માત્ર રાજવી પરિવાર માટે જ અનામત હોવાનું માનવામાં આવે છે. રાજકીય નેતાની સત્તાવાર અંતિમવિધી થઇ હોય તેવું જાપાનમાં બીજી વખત બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની અંતિમ વિધીમાં ભાગ લેવા સોમવારે સાંજે ટોકિયો જવા રવાના થયા હતા. મોદીએ આબેને નજીકના મિત્ર ગણાવ્યા હતા અને ભારત-જાપાનના મજબૂત સંબધોમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. જુદાજુદા દેશોના ૨૦થી વધુ વડા સહિત ૧૦૦ દેશના પ્રતિનિધી મંગળવારે યોજાનારી આબેની અંતિમ વિધીમાં સામેલ થયા હતા. મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.

ત્રણ મહિના પહેલાં દક્ષિણ જાપાનના શહેર નારામાં ચૂંટણી પ્રચાર કરતી વખતે 67 વર્ષના આબેની ગોળી મારીને હત્યા કરાઈ હતી. શિંઝો આબેના માનમાં ભારતે ૯ જુલાઇએ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી.

મોદીએ ટોકિયો જતા પહેલાં ટિ્વટ કર્યું હતું કે, “હું ભૂતપૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની અંતિમ યાત્રામાં ભાગ લેવા રાત્રે ટોકિયો માટે રવાના થઈ રહ્યો છું. આબે પ્રિય મિત્ર હતા અને તેમણે ભારત-જાપાન મિત્રતા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. હું વડાપ્રધાન કિશીદા અને આબેના પત્નીને તમામ ભારતીયો તરફથી હૃદયપૂર્વક આશ્વાસન આપું છું. અમે આબેના વિઝન પ્રમાણે ભારત-જાપાનના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે કામ કરતા રહીશું.”

LEAVE A REPLY

four × 3 =