મોદી કેબિનેટમાંથી લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ 6 જુલાઈએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ભાજપ તેમને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. (ANI Photo)

કેન્દ્રીય કેબિનેટમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહે બુધવારે રાજીનામું આપ્યું હતું. રાજ્યસભાની મુદત પૂરી થવાની એક દિવસ પહેલા બંને પ્રધાનોએ રાજીનામા આપ્યા હતા. ભાજપ મુખ્તાર અબ્બાસ નકવીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેના ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે.

લઘુમતી બાબતોના પ્રધાન નકવી અને સ્ટીલ પ્રધાન સિંહે વડાપ્રધાન મોદીને પોતાના રાજીનામા આપ્યા હતા. મોદીએ પ્રધાન તરીકેના કાર્યકાળમાં દરમિયાન તેમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના રાજીનામા સ્વીકારી લીધા છે. લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો સ્મૃતિ ઇરાની અને સ્ટીલ મંત્રાલયનો હવાલો જ્યોતિરાદિત્ય સિંધિયાને આપવામાં આવ્યો છે.

બુધવારે નકવીના રાજીનામા બાદ કેન્દ્રીય કેબિનેટમાં હવે એકપણ મુસ્લિમ ચહેરો રહ્યો નથી. આ ઉપરાંત લોકસભા અને રાજ્યસભામાં ભાજપના કુલ 395 સભ્યોમાંથી ભાજપ તરફથી એકપણ મુસ્લિમ સભ્ય નથી. રાજ્યસભાની 57 બેઠકોની તાજેતરમાં ચૂંટણી થઈ ત્યાં સુધીમાં ભાજપ પાસે નકવી સહિત 3 મુસ્લિમ સાંસદો હતા. પરંતુ ભાજપે એકપણ મુસ્લિમ ચહેરાને ફરી નોમિનેટ કર્યા નથી.

રાજ્યસભાની તાજેતરની ચૂંટણીમાં નકવીને ઉમેદવાર બનાવવામાં ન આવ્યા ત્યારેથી એવી અટકળ ચાલે છે કે ઉપરાષ્ટ્રપતિ માટે નકવીના નામની વિચારણા ચાલે છે. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી 6 ઓગસ્ટે યોજાશે.

આર પી સિંહ જેડી(યુ)ના ક્વોટામાંથી એક વર્ષ પહેલા પ્રધાન બન્યા હતા. તેમણે પોતાના જન્મદિને રાજીનામું આપ્યું છે. મોદીએ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. આર પી સિંહ અગાઉ બિહારના મુખ્યપ્રધાન અને જેડી(યુ)ના વડા નીતિશ કુમારના ખાસ વિશ્વાસુ ગણાતા હતા, પરંતુ હવે તેઓ નીતિશ કુમારની ગૂડબુકમાં ન હોવાનું માનવામા આવે છે. તેમને રાજ્યસભાની ટીકિટ આપવામાં આવી ન હતી. હવે ભાજપના સાથી પક્ષોના કેબિનેટમાં માત્ર બે પ્રધાનો છે. કેબિનેટમાં હવે બે જગ્યા ખાલી પડી છે અને ભાજપના સૌથી મોટા સાથી પક્ષ જેડી (યુ)નું કોઇ પ્રતિનિધિત્વ નથી,તેથી નજીકના ભવિષ્યમાં કેબિનેટનું વિસ્તરણ-પુનર્ગઠન થવાની શક્યતા છે.