(DD/ANI Video Grab)

ભારત પર 25 ટકા ટેરિફ લાદવાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના એક દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી સ્વદેશી ચળવળનું આહ્વાન કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર અસ્થિરતા અને અનિશ્ચિતતાના તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે ભારતીયોએ સ્વદેશી પ્રોડક્ટ્સને પ્રાથમિક આપવી જોઇએ. દરેક કાર્યમાં સ્વદેશીની ભાવના ભારતનું ભવિષ્યને નિર્ધારિત કરશે.

વારાણસી લોકસભા બેઠકમાં એક જાહેર સભામાં અમેરિકાનું સીધું નામ લીધા વગર મોદીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશે તેના પોતાના આર્થિક હિતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્થિક વિકાસની વાત કરતી વખતે હું તમારું ધ્યાન વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્ય તરફ દોરવા માંગુ છું. વિશ્વનું અર્થતંત્ર અસ્થિરતા અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. આવા સમયમાં વિશ્વના દેશો ફક્ત પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. ભારત પણ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે અને દેશે પોતાની આર્થિક પ્રાથમિકતાઓ પ્રત્યે સતર્ક રહેવું જોઈએ.

સ્વદેશી ઉદ્યોગને ટેકો આપવા માટે રાષ્ટ્રવ્યાપી ચળવળનું આહ્વાન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેક ભારતીય, તમામ રાજકીય પક્ષો માટે પોતાના મતભેદો ભૂલીને સ્વદેશી અર્થતંત્રને ટેકો આપવાનો સમય આવી ગયો છે. આ માત્ર મોદી કહે છે તેવું નથી. દરેક ભારતીયે આ કહેવું જોઈએ. જો આપણે ઇચ્છીએ છીએ કે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને તો દરેક રાજકીય પક્ષ અને દરેક નેતાએ, પોતાના ખચકાટને બાજુ પર રાખીને, રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ અને લોકોમાં સ્વદેશીની ભાવના જાગૃત કરવી જોઈએ.

સરકાર ખેડૂતો, નાના ઉદ્યોગો અને યુવાનોને રોજગારી માટે ટેકો ટેકો આપી રહી રહી હોવાનો ઉલ્લેખ કરી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોની ભાગીદારી વગર રાષ્ટ્રીય પરિવર્તન શક્ય નથી. સરકાર આ દિશામાં શક્ય તેટલું બધું કરી રહી છે, પરંતુ નાગરિકો તરીકે આપણી પણ જવાબદારીઓ છે.

દુકાનદારો અને વેપારીઓને સીધી અપીલ કરતા પીએમ મોદીએ તેમને ખાસ કરીને તહેવારો અને લગ્નની મોસમ નજીક આવી રહી છે ત્યારે ફક્ત ભારતીય બનાવટની ચીજવસ્તુઓ વેચવાનો સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે દુનિયા અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહી છે, ત્યારે ચાલો આપણે આપણી દુકાનો અને બજારોમાંથી ફક્ત સ્વદેશી વસ્તુઓ વેચવાનો સંકલ્પ લઈએ. ભારતમાં બનેલા માલનો પ્રચાર કરવો એ દેશની સૌથી સાચી સેવા હશે.

લોકોને જાગૃત ગ્રાહકો બનવા અને દરેક ખરીદીના મૂળ પર ચિંતન કરવાની હાકલ કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આપણે જે કંઈ પણ ખરીદીએ ત્યારે આપણે પોતાને પૂછવું જોઈએ કે શું કોઈ ભારતીયે આ બનાવવા માટે મહેનત કરી છે? જો આપણા લોકોના પરસેવાથી, તેમના કૌશલ્યથી બનાવવામાં આવેલી હોય તો તે પ્રોડક્ટ્સ આપણા માટે સ્વદેશી છે. આપણે ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર અપનાવવો જોઈએ.

મોદીએ યાદ કર્યું હતું કે તેમની અપીલને પગલે અગાઉ ઘણા પરિવારોએ લગ્ન વિદેશની જગ્યાએ દેશમાં કરવાનો નિર્ણય કર્યો હતો. સ્વદેશી માત્ર આર્થિક પસંદગી નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવના છે. દરેક કાર્યમાં સ્વદેશીની ભાવના આપણા ભવિષ્યને નિર્ધારિત કરશે. તે મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ પણ હશે. ફક્ત સામૂહિક પ્રયાસ દ્વારા જ આપણે વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરી શકીશું.

LEAVE A REPLY