ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર 2021ના રોજ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત બાદ દિલ્હીમાં સિઘુ બોર્ડર પર આંદોલન કરી રહેલા એક ખેડૂતે આવી પ્રતિક્રિયા આપી હતી. (PTI Photo/ Arun Sharma)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેવદિવાળી અને ગુરુનાનક જયંતીના પ્રસંગે રાષ્ટ્રજોગ પ્રવચન કરીને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની અચાનક જાહેરાત કરી હતી. તેમણે આ મુદ્દે દેશની માફી પણ માગી હતી અને ખેડૂતોને પોતાનું આંદોલન પાછું ખેંચી લેવાનો અનુરોધ કર્યો હતો. આ ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ખેડૂતો છેક નવેમ્બર 2020થી આંદોલન કરી રહ્યાં છે. મોદીની જાહેરાતને ખેડૂતોએ આવકારી હતી, પરંતુ જણાવ્યું હતું કે સંસદમાં વિધિવત રીતે આ કાયદા પાછા ખેંચી લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન પંજાબ અને ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મોદીએ આ મોટી જાહેરાત કરીને લોકોને અચંબામાં નાખી દીધા હતા.

વડાપ્રધાન મોદીએ ગુરુ નાનકજીના ઉપદેશની વાત કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને ઝીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. અમે જે કૃષિ કાયદાની વર્ષોથી માગ હતી તેને જ દેશના હિત માટે લઈ આવ્યા હતા. ઘણા ખેડૂતો અને કૃષિ સંગઠનોએ તેને આવકાર્યા હતો પરંતુ કેટલાક ખેડૂતોના આ કાયદાના ફાયદાઓ અમે સમજાવી શક્યા નથી. જોકે હવે અમે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. મોદીએ હાથ જોડીને આંદોલનકારી ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરુઆત કરો.

મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે ખેતી અને દેશના ખેડૂતોની સ્થિતિને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા, જેથી નાના ખેડૂતોને વધુ સશક્ત કરવા માગતા હતા. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે.

મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલા કાર્યોને ઉલ્લેખ કરતાં તમણે કહ્યું કે ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અમારી સરકાર દ્વારા કરવામાં આવતી ઉપજની ખરીદીએ છેલ્લા કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશની 1000 થી વધુ મંડીઓને e-NAM યોજના સાથે જોડીને, અમે ખેડૂતોને તેમની ઉપજ ગમે ત્યાં વેચવા માટે પ્લેટફોર્મ આપ્યું છે. કૃષિ બજારોના આધુનિકીકરણ માટે કરોડો ખર્ચવામાં આવ્યા હતા.

નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. ઘણા ખેડૂતો અને કૃષિ સંગઠનોએ એ કાયદાને આવકાર્યા હતા પરંતુ કેટલાક ખેડૂતોને અમે આ કાયદાના ફાયદા અમે સમજાવી શક્યા નથી. જો કે હવે અમે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. મોદીએ હાથ જોડીને આંદોલનકારી ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરુઆત કરો.

ખેડૂતોએ જાહેરાત આવકારી, વિજય મનાવ્યોઃ મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી તેના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ પોતાની જીતની ઉજવણી કરી હતી અને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.જોકે ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે આંદોલન તાકીદે પાછું ખેચવામાં આવશે નહીં. અમે સંસદમાં કૃષિ કાયદા રદ કરવામાં આવે ત્યાં સુધી રાહ જોઈશું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે ટેકાના લઘુતમ ભાવ અને બીજા મુદ્દા અંગે ખેડૂતો સાથે મંત્રણા કરવી જોઇએ.

વડાપ્રધાનની જાહેરાત આવકારતા સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે આ આંદોલન ફક્ત ત્રણ કાળા કાયદા રદ કરવા માટે નહીં, તમામ કૃષિ પેદાશો અને તમામ ખેડૂતો માટે ટેકાના ભાવની કાનૂની ગેરંટી માટેનું પણ છે. આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર, ખેડૂતો સામે આંદોલન સંબંધે કરાયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની માંગણી કરાઈ હતી.

વિરોધ પક્ષોએ ખેડૂતોને અભિનંદન આપ્યા હતા તો સરકારના ઇરાદા સામે શંકા પણ વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે દેશના અન્નદાતાએ સત્યાગ્રહ કરીને અહંકારનું માથું નમાવ્યું. અન્યાય વિરુદ્ધ તેમની જીત થઈ છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલે મીડિયાને કહ્યું કે મોદી સરકારે આજે પોતાની ભૂલ સ્વીકારી છે. હવે લોકો આ ભૂલની સજા નક્કી કરશે. આ નિર્ણય લેવા પાછળ ભાજપને ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં હારવાનો ડર દેખાઈ રહ્યો છે.

પશ્ચિમ બંગાળાના મુખ્યપ્રધાન અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું હતું કે તમામ ખેડૂતોને મારા હાર્દિક અભિનંદન. તેમણે વણથંભી લડાઈ લડી અને ભાજપે જે ક્રૂરતાથી તેમના ઉપર દમન ગુજારવાના પ્રયાસો કર્યા, તેનાથી પણ તમે ડર્યા નહીં તે તમારી જીત છે.દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આજે પ્રકાશ પર્વના દિવસે ઘણી મોટી ખુશખબર મળી છે. ત્રણેય કાયદા રદ થયા. 700થી વધુ કિસાન શહીદ થઈ ગયા. તેમની શહીદી અમર રહેશે.