ગાંધીનગરમાં 10-12 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 8 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોદી ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન સહિતના જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને ખુલ્લી મૂકશે અને તેની સાથે વિશ્વની સૌથી મોટી ગ્લોબલ ટ્રેડ શો પણ શરૂ થશે.

મંગળવારે સવારે નરેન્દ્ર મોદી 9.30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠક યોજશે અને ટોચની કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. બપોરે ત્રણ વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે અને સાંજે પાંચ વાગ્યે એરપોર્ટ પર યુએઈના પ્રેસિડન્ટનું રેડ કાર્પેટ સ્વાગત કરશે. સાંજે 5.30 વાગ્યે રોડ શો કરીને વડાપ્રધાન મોદી તથા યુએઈના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલગ નાહ્યાન એરપોર્ટથી સીધા ગાંધીનગર જવા રવાના થશે.

મોદી સોમવારે સાંજે 7 વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને સીધા ગાંધીનગર જશે. તેઓ વાઈબ્રન્ટ સમિટની પૂર્વતૈયારીઓ માટે રાજભવન ખાતે બેઠક યોજે તેવી શક્યતા છે. 9 જાન્યુઆરીએ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બે લાખ ચોરસ મીટર એરિયામાં વિશ્વનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકવામાં આવશે. તેમાં ‘મેક ઈન ગુજરાત’ અને ‘આત્મનિર્ભર ભારત’ સહિત જુદી જુદી થિમ સાથે 13 પ્રદર્શન હોલ તૈયાર થઈ ગયા છે. આ ટ્રેડ શોમાં 100 દેશોના પ્રતિનિધિઓ વિઝિટ કરવાના છે અને 33 દેશો પાર્ટનર તરીકે જોડાયા છે.

ત્રણ દિવસની મુલાકાતના છેલ્લા દિવસે એટલે કે 10 જાન્યુઆરીએ વડાપ્રધાન સવારે વિવિધ બેઠકોમાં હાજરી આપશે. સાજે 5.15 વાગ્યા પછી તેઓ મોદી ગ્લોબલ ફાઈનાન્સ હબ તરીકે ઉભરી રહેલા ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. તેમાં તેઓ ફાઈનાન્સ, ટ્રેડ અને બિઝનેસ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે.

ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ અને બીજા કાર્યક્રમો દરમિયાન રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ, સિંગાપોર એક્સ્ચેન્જના માઈકલ સિન, સિંગાપોર એક્સચેન્જના સીઈઓ વરુણ ગુજરાલ, કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક, પેટીએમના સ્થાપક વિજય શર્મા, ફોન પેના સ્થાપક સમીર નિગમ, જાપાનની ક્યોટો બેન્કના એણડી શિન્ઝી તાકાબાયશી, ફર્સ્ટ અબુધાબી બેન્કના મોઆટાઝ ખલીલ, યુકેની સ્ટોનેક્સના સીઈઓ ફિલિપ સ્મિથ હાજરી આપશે. આ ઉપરાંત સુમિટોમો મિત્શુઈ, કેપીએમજી, એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, બીએનપી પારિબા, એમેઝોન પે, નાસ્ડેક, એસપી ગ્લોબલના ટોચના અધિકારીઓ પણ ગુજરરાતમાં હાજરી આપવાના છે.

 

 

LEAVE A REPLY

15 − eleven =