(ANI Photo)

માલદિવ્સના પ્રધાનોની ટીપ્પણીઓ વિરુદ્ધ ભારતમાં સોશિયલ મીડિયામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અક્ષયકુમાર, જોન અબ્રાહમ, શ્રદ્ધા કપૂર સહિતની હસ્તીઓએ X પર લોકોને માલદીવ્સ જવાને બદલે સ્થાનિક પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનો અનુરોધ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણી એવી પોસ્ટ પણ આવી હતી, જેમાં દાવો કરાયો હતો કે કેટલાક ભારતીયોએ માલદીવની તેમની નિર્ધારિત યાત્રા રદ કરી છે. ભારતીયો માલદીવ્સનો બહિષ્કાર કરે તો તેનાથી તેના અર્થતંત્રને ફટકો પડી શકે છે.

દિગ્ગજ સચિન તેંડુલકર, વેંકટેશ પ્રસાદ અને સુરેશ રૈના સહિત અસંખ્ય જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટરોએ માલદીવમાં જાહેર વ્યક્તિઓ દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવેલી ‘જાતિવાદી’ ટિપ્પણીઓની નિંદા કરી હતી. તેઓએ ભારતીય દરિયાકિનારાની સુંદરતાનનો અનુભવ કરવા ભારતના લોકોને પ્રોત્સાહિત કર્યાં હતા.

સલમાન ખાન, શ્રદ્ધા કપૂર, ટાઈગર શ્રોફ અને જ્હોન અબ્રાહમ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ, લક્ષદ્વીપની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની #ExploreIndianIslands પહેલના સમર્થનમાં પોસ્ટ કરી હતી. વડાપ્રધાનની સફરની મનમોહક તસવીરો ઇન્ટરનેટ પર આવ્યા પછી  કેન્દ્રશાસિત પ્રદેશ સતત બીજા દિવસે ગૂગલ સર્ચ પર ટોચના સ્થાને રહ્યું હતું.

ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપમાનજક ટીપ્પણી કરવા બદલ માલદિવ્સ સરકારે રવિવારે તેના ત્રણ ડેપ્યુટી પ્રધાનોને સસ્પેન્ડ કર્યાં હતા. માલે ખાતેના ભારતના હાઇકમિશનને માલદિવ્સ સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા પછી સરકારે આ પગલું લીધું હતું. આ ટાપુ દેશના મુખ્ય વિપક્ષ નેતાઓએ પણ ભારત સાથે વિવાદ માટે સત્તાધારી સરકારની આકરી ટીકા કરી હતી.

આ સમગ્ર મામલો વડાપ્રધાન મોદીની કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત સંબંધિત છે. મોદીએ આ મુલાકાતના કેટલાંક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા અને લોકોને વિદેશ પ્રવાસની જગ્યાએ લક્ષદ્વીપનો પ્રવાસ કરવાનો અનુરોધ કર્યો હતો. મોદીની લક્ષદ્વિપની મુલાકાત પછી ભારતીય ટાપુઓના સૌંદર્યને જોઈને ઘણા લોકોને લાગ્યું કે ભારતીયોએ માલદીવ્સ જવાની કોઈ જરૂર નથી. તેના બદલે સૌએ લક્ષદ્વિપની મુલાકાત લેવી જોઈએ. તેનાથી ચીન તરફ ઝુકેલી માલદિવ્સ સરકારના ત્રણ નાયબ પ્રધાનોના પેટમાં તેલ રેડાયું હતું અને તેમને સોશિયલ મીડિયામાં મોદી વિશે અપમાનજક ટીપ્પણી કરી હતી. માલદિવ્સ પણ તેના બીચ ટુરિઝમ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

 

LEAVE A REPLY

4 × 5 =