વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમાવારે ટોકિયામાં જાપાનની 30 દિગ્ગજ કંપનીઓના ટોચના એક્ઝિક્યુટિવ્સ અને સીઇઓને મળ્યા હતા. (ANI Photo/MEA Twitter)

જાપાનની બે દિવસની મુલાકાત દરમિયાન 23મેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના બિઝનેસ લીડર્સને મળ્યા હતા અને ભારતમાં ટેક્સટાઇલ્સથી લઇને ઓટો તથા ઇમર્જિંગ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણની તકો અંગે ચર્ચાવિચારણા કરી હતી.

વડાપ્રધાન મોદી સૌ પ્રથમ અગ્રણી ઇલેક્ટ્રોનિક કંપની એનઇસી કોર્પોરેશનના નોબુહિરો એન્ડોને મળ્યા હતા. આ પછી જાપાનની ક્લોધિંગ બ્રાન્ડ યુનિક્લોના સીઇઓ તડાશી યાનાઇ સાથે બેઠક યોજી હતી. આ પછી મોદીએ રોકાણની તકની ચર્ચા કરવા માટે સોફ્ટબેન્કના ટેકનોલોજી આંત્રેપ્રિન્યોર માસાયોશી સન તથા સુઝુકી મોટર કોર્પના ઓસામુ સુઝુકી સાથે બેઠકો યોજી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે નોબુહિરો એન્ડો સાથેની બેઠકમાં મોદીએ ભારતના ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રમાં એનઇસીની ભૂમિકાની પ્રશંસા કરી હતી. મોદીએ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) હેઠળ રોકાણની તકો પણ રજૂ કરી હતી.

એન્ડોએ જણાવ્યું હતું કે ભારતમાં સ્માર્ટ સિટીમાં યોગદાનના વિવિધ માર્ગ તથા એજ્યુકેશન અને લોજિસ્ટિક્સ સહિતના ક્ષેત્રોમાં પ્રદાન આપવાની એનઇસીની યોજનાની ચર્ચાવિચારણા થઈ હતી.

મોદીએ યાનાઇ સાથેની બેઠક દરમિયાન ભારતના ઝડપથી વિકસી રહેલા ટેક્સટાઇલ્સ અને એપેરલ માર્કેટ તથા પીએલઆઇ સ્કીમ હેઠળ રોકાણની તકો અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન ટેક્સટાઇલ્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બનાવની ભારતની યાત્રામાં વધુ ભાગીદારી કરવા માટે યુનિક્લોને આમંત્રણા આપ્યું હતું. યાનાઇએ જણાવ્યું હતું કે યુનિક્લો ભારતના પ્રોડક્શન અને રિટેલ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવાની શક્યતા ચકાસી રહી છે.

સોફ્ટબેન્કના માયાયોશી સન સાથેની બેઠકમાં ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસ માટે હાથ ધરવામાં આવેલા સુધારાની ચર્ચા થઈ હતી. માયાયોશી સન્સે જણાવ્યું હતું કે દરરોજ નવા સ્ટાર્ટ-અપ સાથે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સુઝુકી સાથેની બેઠક દરમિયાન વડાપ્રધાનને સુઝુકી સાથેના ભારતના વર્ષો જૂના સંબોધોને યાદ કર્યા હતા.