અમેરિકામાં ગત બુધવારથી પેનીના સિક્કાનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે, તંત્રનું આ પગલું એક યુગનો અંત દર્શાવે છે. લગભગ 232 વર્ષથી ચલણમાં રહેલા એક સેન્ટના સિક્કાનું અંતિમ ઉત્પાદન ફિલાડેલ્ફિયાની ટંકશાળમાં કરવામાં આવ્યું હતું, જેનું નિરીક્ષણ યુએસ ટ્રેઝરર બ્રાન્ડન બીચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પેનીનો સિક્કો બનાવવામાં ચાર સેન્ટ જેટલો ખર્ચ થતો હોવાનું કહેવાય છે, જે તેના મૂલ્ય કરતાં વધુ છે. જોકે, તેનો નાણાકીય વ્યવહારમાં ઉપયોગ કરી શકાશે. પેનીનો વ્યાપક ઉપયોગ થતો નથી. પેનીના મોટાભાગના સિક્કા બિનઉપયોગી જોવા મળે છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેઝરી ડીપાર્ટમેન્ટને પેનીનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, ‘અમેરિકામાં ઘણા લાંબા સમયથી આવા સિક્કા બની રહ્યા છે, જેનું વાસ્તવિક મૂલ્ય બે સેન્ટથી વધુ છે, જે યોગ્ય નથી. આથી મેં મારા યુએસ ટ્રેઝરી સેક્રેટરીને પેનીના નવા સિક્કાનું ઉત્પાદન બંધ કરવાની સૂચના આપી છે.’ સોશિયલ મીડિયામાં પણ આ નિર્ણયનું લોકો સ્વાગત કરી રહ્યા છે અને તેને અલવિદા કહીને મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું હતું, ‘પેનીને શ્રદ્ધાંજલિ. 1793-2025. અંતે અમેરિકાની સૌથી લાંબી પરંપરા પર પૂર્ણવિરામ મુકાયું: એક એવો સિક્કો જેના વાસ્તવિક મૂલ્ય કરતાં તેમાં વધુ ખર્ચ થાય છે.’

LEAVE A REPLY