ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર, 30 ઓક્ટોબર 2021ના રોજ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. (PTI Photo)TWITTER IMAGE POSTED BY @narendramodi ON SATURDAY, OCT. 30, 2021**

જી-20 દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈટાલી પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા ગણાતા પોપ ફ્રાન્સિસને મળવા માટે વેટિકન સિટી પહોંચ્યા હતા. પોપ ફ્રાન્સિસ સાથે મોદીની આ પ્રથમ મુલાકાત હતી.

આ મુલાકાત દરમિયાન મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત યાત્રાએ આવવા માટે આમંત્રણ આપ્યુ હતું. તે્મણે કહ્યુ હતુ કે, અમારી વચ્ચે દુનિયામાંથી ગરીબી નાબૂદી તેમજ ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદી અને પોપ વચ્ચેની 1 કલાક સુધી બેઠક ચાલી હતી,જ્યારે મુલાકાતનો સમય 20 મિનિટ જ નક્કી કરવામાં આવ્યો હતો. વેટિકન સિટીમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ પ્રધાન એસ જયશંકર પણ મોદી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદી અને પોપ ફ્રાન્સિસની મુલાકાત પર ભારતના ખ્રિસ્તી સમુદાયની પણ નજર હતી. મોદીએ વેટિકન સિટીના વિદેશ મંત્રી કાર્ડિનલ પિએત્રો પારોલિન સાથે પણ મુલાકાત કરી હતી. મોદી 31 ઓક્ટોબર સુધી ઈટાલીના પ્રવાસે છે. તેમને ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીએ વેટિકન સિટીની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યુ હતુ.શનિવારે સાંજે તેઓ જી-20 શિખર સંમેલનના સ્વાગત કાર્યક્રમ અને સામૂહિક ફોટોશૂટ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.