વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે સંસદમાં પાકિસ્તાનના પ્રધાનની કબુલાત બાદ ગયા વર્ષના પુલવામા ત્રાસવાદી હુમલા પાછળનું સત્ય બહાર આવ્યું છે. મોદીએ આ મુદ્દે સવાલો ઊભા કરનારા વિપક્ષોની આકરી ટીકા કરી હતી. મોદીએ કેવડિયા ખાતે લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલી આપી હતી.
પાકિસ્તાનના વરિષ્ઠ પ્રધાન ફવાદ ચૌધરીએ ગુરુવારે સ્વીકાર્યું હતું કે તેમનો દેશ 2019માં જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા ત્રાસવાદી હુમલા માટે જવાબદાર છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા અને બંને દેશો યુદ્ધના નજીક આવી ગયા હતા.

વડાપ્રધાને સ્ટચ્યૂ ઓફ યુનિટી પાસે એકતા દિવસના કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું. તેમાં કલમ 370 અને પુલવામા હુમલાના મુદ્દે વાત કરી હતી. મોદીએ કોઈનું પણ નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશ ક્યારેય ભૂલી નહીં શકે કે પુલવામા હુમલા પછી દેશના વીર જવાનો શહીદ થવાથી સમગ્ર દેશ દુઃખી હતો, ત્યારે અમુક લોકો આ દુઃખમાં સામેલ નહતા. તેઓ પુલવામા હુમલામાં પણ તેમનો રાજકીય સ્વાર્થ શોધી રહ્યા હતા.

વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતની આ એકતા અને તાકાત બીજાને ખટકે છે. આપણી વિવિધતાને જ તેઓ આપણી કમજોરી બનાવવા માંગે છે, એકબીજા વચ્ચે વિખવાદ કરવામાંગે છે.પુલવામાં હુમલામાં આપણા વીરજવાનો શહીદ થયા એ દેશ ક્યારેય ભૂલી નહીં શકે, કેટલાક લોકો તે દુઃખમાં સામેલ નહોતા, તેઓ પોતાનો રાજનીતિક સ્વાર્થ જોતા હતા. પુલવામા વખતે કેટલાક લોકોએ ગંદી રાજનીતિ કરી, તે સમયે મારા પર દિલ પર વીર શહીદોનો ઘાવ હતો. પાકિસ્તાનના પ્રધાને સંસદમાં સત્ય સ્વીકાર્યું છે, તેમાં તેમનો ચહેરો સામે આવી ગયો છે કે, તેઓ રાજનીતિક સ્વાર્થ માટે કેટલી હદે જઇ શકે છે. આ મહાન વ્યક્તિત્વના ચરણોમાં નવા ભારતનો સંકલ્પ કરીએ, જેનું સપનુ સરદાર વલ્લભભાઇ પટેલે જોયુ હતું.

વડાપ્રધાને એકતા પરેડમાં હાજરી આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતી પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને જવાનોએ એકતા પરેડ કરી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.

મોદીએ જણાવ્યું હતું કે ભારતની ભૂમી પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની તાકાત ધરાવે છે. કેટલાક દેશો આતંકવાદના સમર્થનમાં આગળ આવી ગયા છે, તે વિશ્વ અને શાંતિ માટે ચિંતાનો વિષય બન્યો છે. દરેક સરકારોને આતંકવાદ સામે એકજૂથ થવાની જરૂર છે. આતંકવાદ હિંસાથી ક્યારેય કોઇનું કલ્યાણ થઇ શકતુ નથી. ભારત ઘણા વર્ષોથી આતંકવાદથી પીડિત રહ્યું છે, ભારતે હજારો જવાનો ખોયા છે, માતાઓએ પોતાના લાલ ગુમાવ્યા છે. ભારતે આતંકવાદને હંમશા પોતાની એકતા અને દ્રઢ્ઢ ઇચ્છા શક્તિથી મુકાબલો કર્યો છે અને હરાવ્યો છે