(Photo by Peter Summers/Getty Images)

ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસ રોગચાળાને અંકુશમાં રાખવા અને હોસ્પિટલો અઠવાડિયાઓમાં જ ભરાઈ જશે તેવી ચેતવણીઓ બાદ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા તા. 31ને શનિવારે ચાર અઠવાડિયાના લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. આ લોકડાઉન પ્રતિબંધોનો ગુરૂવાર તા. 5 નવેમ્બરથી બુધવાર તા. 2 ડિસેમ્બર સુધી અમલ કરવામાં આવશે.

ઇંગ્લેન્ડમાં ચેપના દરમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે નહીં તો જરૂર પડે સરકાર આ નવા લૉકડાઉનનો અમલ લંબાવશે. સરકારે કર્મચારીઓને મદદ કરવા માટે ફર્લો સ્કીમમાં એક મહિનાના વિસ્તરણની જાહેરાત કરી હતી અને સેલ્ફ એમ્પલોઇડ લોકોને આપવામાં આવનાર ટેકાની રકમ તેમના વેપાર નફાના 40%થી વધારીને 80% કરવામાં આવી છે. ફરીથી લોકડાઉન કરવાના અચાનક નિર્ણય અંગે સરકારને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે.

બુધવારે ઇંગ્લેન્ડમાં લોકડઉન લાદવું કે નહીં તે દરખાસ્ત અંગે હાઉસ ઓફ કોમન્સમાં મતદાન થશે અને તેને લેબરના સહકારથી મંજૂરી પણ મળી જશે. 2 ડિસેમ્બર પછી, કોરોનાવાયરસના ચેપના દરને આધારે, વિવિધ પ્રદેશોને તેમની ટિયર સિસ્ટમમાં પાછા મૂકવામાં આવશે. સ્કોટલેન્ડમાં કોરોનાવાયરસ પ્રતિબંધની પાંચ ટિયરની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જ્યારે વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ કામચલાઉ લૉકડાઉનની અધવચ્ચે છે.

બ્રિટનમાં કોવિડ-19ના બીજા 18,950 કેસ જણાયા છે જે ગયા સપ્તાહ કરતા 1940 જેટલા ઓછા છે. 136 લોકો મૃત્યુ પામતા મૃતકોની કુલ સંખ્યા 46853 થઇ છે. ઇંગ્લેન્ડમાં તા. 2 નવેમ્બરના રોજ કુલ 15,860 કેસ, સ્કોટલેન્ડમાં 851 કેસ, વેલ્સમાં 1646 કેસ અને નોર્ધન આયર્લેન્ડમાં 493 કેસ નોંધાયા હતા.

વરિષ્ઠ પ્રધાન માઇકલ ગોવે જણાવ્યું હતું કે જો વાયરસનો રીપ્રોડક્શન રેટ એક કરતા ઉપર રહેશે તો સરકાર કડક પગલાંને જાળવી રાખશે. સરકાર તેની સમીક્ષા કરતી રહેશે. બ્રિટનમાં કોરોનાવાયરસના 1 મિલિયન કેસ થઇ ચૂક્યા છે. કોવિડ-19ના વ્યાપ, હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ અને મૃત્યુ ઝડપથી વધી રહ્યા છે તે જોતા સરકારના વૈજ્ઞાનિક સલાહકારોએ ભયાનક આગાહી સાથે ચેતવણી આપી છે કે આમ જ ચાલશે તો ડિસેમ્બરની શરૂઆતમાં ICU બેડ અને વેન્ટિલેટર ખૂટી પડશે અને આ શિયાળામાં મૃત્યુ દર બમણો થઈ શકે છે.

બ્રિટન પહેલાથી જ યુરોપના સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સામેલ છે અને કુલ 47,૦૦૦ મૃત્યુ થયા છે. ગયા મહિને, સરકારના વૈજ્ઞાનિક સલાહકાર જૂથ (SAGE) એ હાફ ટર્મ હોલીડેને જોડતા બે અઠવાડિયાના નેશનલ “સર્કિટ-બ્રેકર” લોકડાઉનની ભલામણ કરી હતી. વિરોધી લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મરે પણ તે માટે સમર્થન આપ્યું હતું. યુગોવના સર્વેક્ષણમાં જણાયું હતું કે લગભગ 75 ટકા લોકો લોકડાઉનને સમર્થન આપે છે અને લગભગ ત્રીજા ભાગના લોકો માને છે કે પગલાં આગળ વધારવા જોઈએ.