વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ના ગુજરાત સ્થિત લાભાર્થીઓ સાથે મંગળવારે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો(PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ના ગુજરાત સ્થિત લાભાર્થીઓ સાથે મંગળવારે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફત રાજ્યના દાહોદ અને રાજકોટ જિલ્લાઓના લાભાર્થીઓના અનુભવ અને વિચાર જાણ્યા હતા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અમારો હેતુ શક્ય તમામ મદદ કરવાનો રહ્યો છે. ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’અંગે જાગૃક્તા ફેલાવવા માટે ગુજરાતમાં જનભાગીદારીના કાર્યક્રમની પણ શરૂઆત થઈ રહી છે. PMGKAY એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે, જેની પરિકલ્પના વડાપ્રધાન મોદીએ કોરોના મહામારીના કાળમાં આર્થિક રાહત આપવા માટે કરી હતી. જે અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત આવતા તમામ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ વધારાનું 5 કિલોગ્રામ રાશન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આજે ગુજરાતના લાખો પરિવારોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એકસાથે મફત રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજે વિશ્વભરમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ થઈ રહ્યાં છે. આ યોજનાનો મુખ્ય હેતુ દેશનો કોઈ ગરીબ ભૂખ્યો ના સૂવે તેવો છે. મોટા-મોટા નિષ્ણાંતો આ વાતની પ્રસંશા કરી રહ્યાં છે કે, ભારત પોતાના 80 કરોડથી વધુ લોકોને આવી કપરી મહામારી દરમિયાન મફત અનાજ ઉપલબ્ધ કરાવી રહી છે.