
મોદીની યુકેની મુલાકાત વખતે બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરના સત્તાવાર નિવાસસ્થાન ચેકર્સ ખાતે આમલા ટીનો ચાનો સ્ટોલ બનાવવામાં આવ્યો હતો જ્યાં મોદી અને સ્ટાર્મરે ચા પીધી અને હળવી વાતચીત પણ કરી.
સરદાર વલ્લભભાઇ પટેલ પરિવારના અખિલ પટેલે તેમના સ્ટોલ પર બંનેનું સ્વાગત કર્યું અને આ દરમિયાન મોદીએ “ચાય પર ચર્ચા’’ કહ્યું હતું.
અખિલ પટેલે કહ્યું કે ‘’અમે તમને ભારતીય માસાલા ચા પીરસવા જઈ રહ્યા છીએ, જેના પાંદડા આસામના છે અને મસાલા કેરળના છે.’’ તે પછી મોદીએ સ્ટાર્મરને કહ્યું હતું કે ‘’આ ભારતનો સ્વાદ છે.‘’
અખિલ પટેલે પહેલા સ્ટાર્મરને ચા આપી હતી અને પછી મોદીને ચા આપતા પહેલા કહ્યું હતું કે ‘’એક ચાવાળો બીજા ચાવાળાનો ચા પીરસી રહ્યો છે.’’
અખિલને જ્યારે ડાઉનિંગ સ્ટ્રીટ તરફથી ચેકર્સમાં ચા પીરસવા માટે આમંત્રણ આપતો ઇમેઇલ મળ્યો ત્યારે તેને શરૂઆતમાં તે સ્પેમ ઇમેઇલ લાગ્યો હતો. પરંતુ પછી ખબર પડી હતી કે તે એફટીએ ઉજવણીનો ભાગ હતો. જો કે તેમને ખબર ન હતી કે તેમને મોદી અને સ્ટાર્મરને ચા પીરસવાનો મોકો મળશે.
અખિલે કહ્યું હતુ કે ચા બનાવવાનું જાણતા મોદીજીએ હસીને સ્ટાર્મરને કહ્યું હતું કે “ભારતીય ચા માટે તમારે પહેલા દૂધ ઉકાળવું પડે છે.”
મારા પરિવારને જ્યારે આ ખબર પડી ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા હતા અને વિશ્વાસ કરી શક્યા ન હતા.
