(PIB/PTI Photo)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડન 24 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ વ્હાઈટ હાઉસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સોમવારના રોજ જાહેર કરવામાં આવેલા પ્રેસિડન્ટના સાપ્તાહિક કાર્યક્રમમાં આ મુલાકાત વિષે જાણકારી આપવામાં આવી છે. ભારતના વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રીંગલાએ મંગળવારે જણાવ્યું હતું કે મોદી અને બાઇડન વચ્ચેની બેઠકમાં વેપાર, રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રમાં દ્વિપક્ષીય વેપારને વેગ આપવાના પગલાંની ચર્ચા થવાની ધારણા છે. મોદી બુધવારે અમેરિકા જવા નીકળશે અને શનિવારે પાછા આવશે.

વડાપ્રધાનના પ્રતિનિધિમંડળમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોવાલ અને વિદેશ સચિવ શ્રીંગલા સહિતના અધિકારીઓ હશે.

ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઈડન જાન્યુઆરી મહિનામાં પ્રેસિડન્ટ બન્યા તે પછી બન્ને નેતાઓ વચ્ચે ઘણીવાર ડિજિટલ માધ્યમોથી વાતચીત કરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 2019માં અમેરિકા પ્રવાસ પર ગયા હતા. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

ગત સપ્તાહમાં નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યુ હતું કે, આ ચાર નેતાઓ 12 માર્ચના રોજ પોતાના પ્રથમ ક્વાડ ડિજિટલ શિખર સંમેલન પછી થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને સામૂહિક હિતને લગતા ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. પાછલા છ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે, જ્યારે કોરોના મહામારી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી યાત્રા હશે. આ પહેલા માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશની યાત્રા કરી હતી.

વડાપ્રધાન મોદી અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે પણ બેઠક કરશે. અમેરિકાના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા ઉપરાંત ભારતના વડાપ્રધાન 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં ક્વોડની પ્રથમ રૂબરુ સમીટમાં ભાગ લેશે. ક્વોડા બેઠકમાં હાલના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાની ચર્ચા થશે. વોશિંગ્ટનમાં મોદી અમેરિકાની અગ્રણી કંપનીઓના ટોચના એક્ઝિક્યુટિવ્સ સાથે પણ બેઠક કરશે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુકે વચ્ચેની તાજેતરની સુરક્ષા સમજૂતી અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બંને ગ્રૂપ અલગ છે.