પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રવિવારે દુબઈમાં આઈપીએલ 2021ની અધૂરી સ્પર્ધાનો પુનઃ આરંભ થયો હતો અને પહેલી મેચમાં ચેન્નાઈએ મુંબઈને તથા સોમવારની બીજી મેચમાં કોલકાતાએ બેંગ્લોરને હરાવ્યા હતા.

કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ-2021ના બીજા ફેઝમાં શાનદાર વિજય સાથે શરૂઆત કરી હતી. અબુધાબીમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 9 વિકેટે હરાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીની આગેવાની હેઠળ બેંગ્લોરની ટીમ માત્ર 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 10 ઓવરમાં 1 વિકેટે 94 રન કરી વિજય નોંધાવ્યો હતો.

અગાઉ દુબઈમાં રવિવારે રમાયેલી પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું હતું. પહેલી મેચમાં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે 156 રન કર્યા હતા અને તેના પગલે મુંબઈને વિજય માટે ૧૫૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૬ રન જ કરી શકી હતી. ચેન્નાઈએ એક તબક્કે છ ઓવરમાં ચાર વિકેટે ૨૪ જ રન કર્યા હતા. જોકે ઓપનર ઋતુરાજ ગાયકવાડના ૫૮ બોલમાં ૯ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથેના અણનમ ૮૮ સાથે તેમણે છ વિકેટે ૧૫૬ રન કર્યા હતા. જવાબમાં મુંબઈ તરફથી સૌરભ તિવારીએ અણનમ ૫૦ રન કર્યા હતા. બ્રાવોએ ૨૫ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

જવાબમાં મુંબઈના બેટ્સમેન પણ નિયમિત અંતરે પેવેલિયનમાં પાછા ફરતાં રહ્યા હતા. સૌરભ તિવારીએ ૪૦ બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ ૫૦ રન કર્યા હતા. જોકે તેને સામેના છેડેથી પુરતો સપોર્ટ મળ્યો નહોતો. બ્રાવોએ ૨૫ રનમાં ત્રણ વિકેટ અને દીપક ચાહરે ૧૯ રનમાં બે વિકેટ ખેરવી હતી.