(ANI Photo)

બોલીવૂડની યુવા અભિનેત્રી રકુલપ્રીત સિંઘ હમણાં ‘મેરે હસબન્ડ કી બીવી’ ફિલ્મમાં જોવા મળી હતી. અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર સાથેની આ ફિલ્મ ફ્લોપ ગઇ હતી. ભારતમાં તેનું કલેક્શન માંડ રૂ.10 કરોડનું થયું હતું. ફિલ્મની આ નિષ્ફળતા અંગે રકુલે જણાવ્યું હતું કે, દરેક સારી ફિલ્મ બોક્સઓફિસ પર છવાઈ જાય તે જરૂરી નથી. ટિકિટ્સના વેચાણ આંકડાને ફિલ્મની સફળતાનો માપદંડ બનાવી શકાય નહીં.

રકુલે સફળતાના આવા માપદંડોને બિનજરૂરી કહ્યા હતા. તેના જણાવ્યા મુજબ, આપણે હાલના જે સમયમાં છીએ, ત્યાં કામના મહત્ત્વને બોક્સઓફિસના આંકડાથી સમજવામાં આવે છે. વહેલું મોડું આપણે સમજવું પડશે કે, દરેક સારી ફિલ્મ બોક્સઓફિસ પર છવાઈ જાય તે જરૂરી નથી. ઘણી ફિલ્મો રિલીઝ સમયે ખાસ ન ચાલી હોય, પરંતુ પછી તેને દર્શકોએ આવકારી હોય. આવા અનેક કિસ્સા છે અને તેને ધ્યાનમાં રાખવા જોઈએ.

મેરે હસબન્ડ કી બીવી’ અંગે રકુલે કહ્યું હતું કે, આ ફિલ્મને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મ જોનાર દરેક વ્યક્તિએ તેને પસંદ કરી છે અને અમારા માટે આ જ મોટી જીત છે. રકુલે એક્ટિંગની સાથે ફેશન શોમાં પણ નસીબ અજમાવ્યું છે. તાજેતરમાં એક ફેશન શો દરમિયાન રકુલે કહ્યું હતું કે, સારી ફિલ્મને હંમેશા દર્શકો મળી જાય છે. આજે નહીં તો કાલે ડિજિટલ પ્લેટફોર્મ પર તો ફિલ્મ જોવાશે જ. એવી ઘણી ફિલ્મોના ઉદાહરણ છે, જ્યાં રિલીઝના ઘણાં સમય પછી લોકો તે ફિલ્મને માણતા હોય છે. રકુલની ‘મેરે હસબન્ડ કી બીવી’ ફિલ્મ કોમેડી હતી. અજય દેવગણ સાથે રકુલની ‘દે દે પ્યાર દે 2’ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આધેડ પુરુષ અને અડધી ઉંમરની યુવતીની આ લવ સ્ટોરીને ‘ઓફ બીટ કોમેડી’ તરીકે ઓળખવામાં આવે છે.

LEAVE A REPLY