(PTI Photo)

મુંબઈમાં ચોમાસાની સોમવાર, 26મે ધમાકેદાર પ્રારંભ થયો હતો.ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. મધ્ય રેલવેની હાર્બર લાઇન પર સબર્બ ટ્રેન સેવાઓ સ્થગિત કરવી પડી હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા.પશ્ચિમ મહારાષ્ટ્ર અને દરિયાકાંઠાના કોંકણ ક્ષેત્રમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. રાયગઢ જિલ્લામાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 135.4 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં છ સ્થળોએ પાણી ભરાઈ જવાની, શોર્ટ સર્કિટના 18 બનાવો અને દિવાલ ધરાશાયી થવાની પાંચ ફરિયાદો મળી હતી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે જણાવ્યું કે “આજે મુંબઈમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆત થઈ હતી. છેલ્લા 75 વર્ષોમાં મુંબઈમાં ચોમાસાનું આ સૌથી વહેલું આગમન છે.

સોમવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. 48 લોકોને પાણીમાં ડૂબેલા વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા હતાં.પુણે, સતારા, સોલાપુર, રાયગઢ, મુંબઈ અને એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજન)માં ભારે વરસાદ પડ્યો છે. દૌંડમાં 24 કલાકમાં 117 મીમી, બારામતીમાં 104.75 મીમી, જ્યારે ઇન્દાપુરમાં 63.25 મીમી વરસાદ નોંધાયો હતો.  બારામતીમાં 25 ઘરો આંશિક રીતે ધરાશાયી થયા હતા, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા સાત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. “70 થી 80 પરિવારોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતો.

સતારા જિલ્લાના ફલટનમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ તૈનાત કરાઈ હતી. આ વિસ્તારમાં ૧૬૩.૫ મીમી વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY