રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત (ફાઇલ ફોટો) (Photo by BIJU BORO/AFP via Getty Images)

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પૂણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હિંદુઓ અને મુસલમાનોના પૂર્વજ એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિંદુ છે. પૂણેમાં કહ્યુ કે સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરૂદ્ધ દ્રઢતાથી ઉભુ થવુ જોઈએ.

ભાગવત ‘રાષ્ટ્ર પ્રથમ-રાષ્ટ્ર સર્વોપરિ’ પરના સેમિનારમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મુસ્લિમ વિદ્વાનો સાથે મુલાકાત કરી હતી.

મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં લઘુમતી સમુદાયને કોઈથી ડરવાની જરૂર નથી કારણ કે હિંદુ કોઈની સામે દુશ્મની રાખતા નથી. તેમણે કહ્યું હતું કે હિંદુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિના બરાબર છે. આ અન્ય વિચારોનુ અસન્માન નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વ વિશે નહીં, પરંતુ ભારતીય વર્ચસ્વ વિશે વિચારવાનુ છે. ભારતના સર્વાંગીણ વિકાસ માટે તમામે મળીને કામ કરવુ જોઈએ.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે ઈસ્લામ આક્રાંતાઓની સાથે ભારત આવ્યો હતો. આ ઈતિહાસ છે અને આને તેના રૂપમાં બતાવવો જોઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ અનાવશ્યક મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરપંથીઓ અને ચરમપંથીઓ વિરૂદ્ધ દ્રઢતાથી ઉભુ રહેવુ જોઈએ. જેટલુ જલ્દી આપણે આ કરીશુ, તેનાથી સમાજને એટલુ ઓછુ નુકસાન થશે.

ભાગવતે કહ્યું હતું કે અંગ્રેજોએ મૂંઝવણ ઉત્પન્ન કરીને હિન્દુઓ અને મુસ્લિમોને લડાવ્યા હતા. બ્રિટિશરોએ મુસ્લિમોને કહ્યું હતું કે જો તેમણે હિંદુઓ સાથે રહેવાનો નિર્ણય લીધો તો તેમને કંઈપણ મળશે નહીં, માત્ર હિન્દુઓ જ ચૂંટાશે. અંગ્રેજોની આ નીતિએ મુસ્લિમોને અલગ રાષ્ટ્રની માગણી માટે પ્રેરિત કર્યા હતા.