રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) (Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ટૂંકસમમાં 100 બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થાય તેવી શક્યતા છે. રિલાયન્સના શેરમાં અસાધારણ તેજીની પગલે અંબાણીની નેટવર્ક વધીને 92.6 બિલિયન ડોલર થઈ છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં જણાવાયું હતું.

શેરનો ભાવ સોમવારે રૂ.૩૬.૩૦ વધીને રૂ.૨૪૨૪.૫૫ની નવી ઊંચાઈએ પહોંચતા કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૫.૩૭ લાખ કરોડ થયું હતું. આ સાથે મુકેશ અંબાણીની નેટવર્થ પણ વધીને ૯૨.૬ બિલિયન ડોલરની ઊંચાઈએ પહોંચી હતી.

વિશ્વના સૌથી ધનિકો પૈકી વોરેન બફેટની નેટવર્થ ૧૦૨.૬ બિલિયન ડોલર છે. આમ મુકેશ અંબાણીની નેટવર્થ હવે તેમનાથી ૧૦ બિલિયન ડોલર જેટલી જ ઓછી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનની નેટવર્થ હવે લોરિયલના ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સની ૯૨.૯ બિલિયન ડોલરની નેટવર્થ નજીક છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષ ૨૦૨૦માં તેના ડિજિટલ જિઓ પ્લેટફોર્મ્સ બિઝનેસમાં અબજો ડોલરનું વૈશ્વિક રોકાણ મેળવ્યા બાદ ચાલુ વર્ષે એજીએમમાં ક્લિન એનજીમાં ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી હતી. રિલાયન્સ દ્વારા વૈશ્વિક એક્વિઝિશન કરવાની સ્પર્ધામાં ઉતરીને નેધરલેન્ડની સૌથી મોટી ટેલિકોમ કંપની ટી-મોબાઈલને ૫.૭ બિલિયન ડોલરમાં હસ્તગત કરવાની બીડ કરી હોવાનું માનવામાં આવે છે.