રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે પહેલી વખત વસતી વધારા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં કેટલા બાળકો પેદા કરવા તે અંગે નીતિ ઘડવામાં આવે અને તે અંગેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે.

વસતી વધારાને દેશ માટે સમસ્યા પણ ગણાવી હતી. મોહન ભાગવતે સ્પષ્ટતા કરી દીધી હતી કે બે બાળકોનો કાયદો લાવવો આરએસએસનો આગામી એજન્ડા રહેશે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સંઘના કાર્યક્રમમાં આ નિવેદન ભાગવતે આપ્યું હતું, ચાર દિવસ માટે મુરાદાબાદ આવેલા સંઘ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે દેશમાં દરેક યુગલ બે જ બાળકો પેદા કરે તે માટે કાયદો ઘડવા અને નીતિ તૈયાર કરવાનો નિર્ણય સરકારે લેવો જોઇએ.

સંઘ પ્રમુખે સાથે એમ પણ કહ્યું હતું કે સીએએ કાયદાને પરત લેવાની જરૂર નથી. એટલે કે સંઘે સરકારના સીએએ કાયદાને સમર્થન જાહેર કર્યું છે. સાથે તેમણે સંઘના કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેઓ લોકોને સીએએ અંગે જાણકારી આપે.

ભાગવતે પોતાના ભાષણમાં કહ્યું હતું કે જેમ જેમ દેશમાં વસતી વધતી જશે તેમ તેમ દેશ પર બોજ વધતો જશે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે વસતી વધારો એક સંપત્તિ પણ બની શકે છે.

જો આપણી સમક્ષ વધુ મોઢા ખાવા માટે હશે તો તેની સામે આપણી પાસે વધુ હાથ તેને ખવડાવવા માટે પણ હશે અને તેને ખવડાવવા માટે કામ પણ કરવું પડશે. આપણે આવનારા 50 વર્ષનો પ્લાન તૈયાર કરવો પડશે કે દેશને કેવી સિૃથતિમાં લઇ જવો છે અને દરેકને શિક્ષણ, સ્વાસ્યૃથ મળી રહે તે દિશામાં પગલા લેવા જોઇએ.

જોકે અગાઉ 2016માં મોહન ભાગવતે આગરામાં કહ્યું હતું કે ક્યો કાયદો કહે છે કે હિંદુઓની વસતી ન વધવી જોઇએ?, જો અન્યોની વસતી વધી રહી હોય તો હિંદુઓને પણ કોઇ ન રોકી શકે. હવે ભાગવતનું કહેવું છે કે વસતી વધારા પર કન્ટ્રોલ કરવો જરૂરી છે અને આ માટે સરકારે કાયદો પણ ઘડવો જોઇએ.