વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા, 2020 કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે વાતચીત શરૂ કરી છે. મોદીએ કહ્યું કે વર્ષ 2020 ફક્ત નવુ વર્ષ જ નથી પરંતુ નવા દાયકાની શરૂઆત છે. માતાપિતા, શિક્ષકોએ બાળકની ક્ષમતા કેટલી છે તેનો ખ્યાલ રાખવો જોઈએ અને પોતાના સ્વપ્નને બાળકો પર થોપવા જોઈએ નહીં. બાળકો મોટા થઈ જાય તો પણ માતાપિતાએ તેમના સંતાનોને પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ, દબાણ ન આપવું જોઈએ. તેમની શક્તિને ઉજાગર કરવા પર ભાર આપવો જોઈએ.

અમદાવાદથી વિદ્યાર્થીઓએ નાગરિક અધિકારો,કર્તવ્ય અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાંથી આ પ્રશ્ન તેનો મને ખૂબ જ આનંદ થયો, અરુણાચલપ્રદેશમાં જ્યારે કોઈ એકબીજાને મળે છે ત્યારે તે જયહિન્દ કહી એકબીજાનું અભિનંદન કરે છે, વડાપ્રધાને દેશના પૂર્વોત્તરના રાજ્યોમાં રજાઓ ગાળવા જવા આગ્રહ કર્યો હતો. આપણો દેશ વૈવિધ્યતાથી ભરેલો છે, આપણો દેશ વિવિધ ભાષાઓથી ભરેલો છે. આપણે ટેકનોલોજીને આપણુ મિત્ર માનવી જોઈએ, ટેકનોલોજી પ્રત્યેનું જ્ઞાન જ પૂરતું નથી પરંતુ ટેકનોલોજી પ્રત્યેનું જ્ઞાન આપણા માટે કેવી રીતે ઉપયોગી બને તે અંગે વિચાર કરવો જોઈએ.

આ ગાળા દરમિયાન દેશના વિકાસમાં સૌથી વધારે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની ભૂમિકા મહત્વની રહેશે. વડાપ્રધાને વિદ્યાર્થીઓ, માતાપિતા, શિક્ષકોને સંબોધતા કહ્યું છે કે છેવટે આપણે શિક્ષણ વ્યવસ્થાથી જે શિક્ષણ પ્રાપ્ત કરી છીએ તેનાથી વિશ્વ પ્રત્યે જાણવાની શરૂઆત કરી છીએ, જેમ કે નાનુ બાળક ‘ક’ થી શરૂઆત કરે છે, શિક્ષણ એ વિશ્વમાં પ્રવેશ દ્વાર છે, શિક્ષણ આપણને કંઈક જાણવા અને કંઈક કરવા માટે એક આધાર આપે છે.

આપણે જે પણ જીવનમાં શીખીએ છીએ તેનું આપણે સતત યોગ્ય મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. વડાપ્રધાને વિદ્યાર્થીઓને કહ્યું છે કે પરીક્ષા જ જીવન છે તેવા વિચારથી બહાર આવવું જોઈએ, જીવનમાં બીજુ ઘણુબધુ છે. સફળતા માટે સતત મહેનત કરતુ રહેવું જોઈએ, પરિશ્રમ બાદ પણ જો અપેક્ષિત પરિણામ ન મળે તો ઉદાસ ન થશો, જીવનમાં પરીક્ષા જ સર્વસ્વ નથી.