નાગપુરમાં આરએસએસના હેક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા કરતાં આરએસએસના વડા મોહન ભાગવત . (PTI Photo)

વિજયાદશમી નિમિત્તે રવિવારે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આરએસએસ કાર્યકરોને અને દેશને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારતે શક્તિ અને વ્યાપ બંનેમાં ચીન કરતાં મોટું કદ હાંસલ કરવું પડશે.

ભાગવતે કહ્યુ હતુ કે, પોતાની આર્થિક અને લશ્કરી તાકાતને કારણે ચીને ભારતની સરહદ પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે તે દુનિયા સામે સ્પષ્ટપણે આવી ગયુ છે. ભારતની સરકાર, સેના, જનતાએ આ આક્રમણ સામે અડગ રહીને પોતાના સ્વાભિમાન અને વીરતાનો પરિચય આપ્યો છે. તેનાથી ચીનને ધક્કો લાગ્યો છે.જોકે ભારતે હજી પણ ચીન સામે સજાગ રહેવાની જરુર છે.

ચીન પર નિશાન તાકતા ભાગવતે કહ્યુ હતુ કે, ભારત શાંત છે તેનો અર્થ એ નથી કે તે નિર્બળ છે. હવે ચીનને પણ ભારતની શક્તિનો અહેસાસ થઈ ગયો હશે પણ એવુ નથી કે આપણે લાપરવાહ બનવાનુ છે .ખતરા પર નજર રાખવી પડશે .ભારતની સેનાએ અતુટ દેશભક્તિ અને અદમ્ય સાહસનો પરિચય આપ્યો છે. સરકારે પણ સ્વાભિમાની વલણ અપનાવ્યુ છે અને ભારતના લોકોની ધીરજનો પણ ચીનને પહેલી વખત પરચો મળ્યો છે.આપણે તમામ સાથે મિત્રતા ઈચ્છીએ છે. આ આપણો સ્વભાવ છે પણ કોઈ આપણી સદભાવનાને નબળાઈ માનીને ભારતને મરજી પડે તે રીતે ઝુકાવશે તેવુ માનતુ હોય તો તે શક્ય નથી.ચીનને હવે આ વાત સમજમાં આવી ગઈ હશે.