(Photo by Boris Streubel/Getty Images for Laureus)

ભારતના પહેલા વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 61 વર્ષિય કપિલ દેવને ગુરુવારે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટના ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાર્ટ એટેકને પગલે બે દિવસ અગાઉ તેમના પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું છે કે કપિલ દેવને રવિવારે રજા આપવામાં આવી છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ્ય છે અને ટૂંક સમયમાં તેમની દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરી શકશે. ભારતના મહાન ક્રિકેટરો પૈકી એક કપિલ 131 ટેસ્ટ અને 225 વનડે રમ્યા છે. તેઓ ક્રિકેટના ઈતિહાસમાં એકમાત્ર એવા ખેલાડી છે કે જમણે 400થી વધારે (434) વિકેટ પોતાના નામ કરી અને ટેસ્ટ મેચમાં 5000થી વધારે રન કર્યા છે. તેઓ વર્ષ 1999 અને 2000 વચ્ચે ભારતના રાષ્ટ્રીય કોચ પણ રહી ચુક્યા છે. કપિલે વર્ષ 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા હતા.