કેરળમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનું આગમન અનુમાન કરતા વહેલાં થયું છે. વર્ષ 2009 પછી તેનું સૌથી ઝડપી પહોંચ્યું છે. સામાન્ય રીતે આ ચોમાસુ1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને આઠ જુલાઈ સુધી દેશના અન્ય વિસ્તારોમાં પહોંચે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કેરળમાં શનિવારે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જે તેના નક્કી સમય એટલે કે 1 જૂનથી આશરે એક અઠવાડિયા વહેલું કેરળમાં પહોંચ્યું છે. આ સાથે કેરળમાં ચોમાસાના આગમનનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાના આગમન માટે તમામ અનુકૂળ પરિસ્થિતિઓ બની હતી. ઓછા દબાણવાળા વિસ્તાર અને આગળ વધતા ચોમાસાની સીસ્ટમના કારણે છેલ્લા બે દિવસમાં કેરળના અનેક ભાગમાં ભારે વરસાદ પણ નોંધાયો હતો. આ પહેલાં 2009 અને 2001માં આટલું વહેલું ચોમાસું આવ્યું હતું,
IMDએ આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, લક્ષદ્વીપના કેટલાક ભાગો, કર્ણાટક, તામિલનાડુ, દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તર બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આ જ સમયગાળા દરમિયાન આગળ વધશે. જેની સમાંતર, દક્ષિણ કોંકણ-ગોવા કિનારાથી દૂર પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક ઓછા દબાણવાળી હવામાન સીસ્ટમની જાણ કરવામાં આવી છે. આ લો પ્રેશર સર્જાતા આગામી 36 કલાકમાં ઉત્તર તરફ આગળ વધતાં વધુ મજબૂત બની શકે છે અને સ્થાનિક હવામાન પેટર્નને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે પશ્ચિમ કિનારાના ભાગોમાં વરસાદ અને પવનમાં ફેરફાર થઈ શકે છે.
ઉત્તર ભારતમાં તો IMDએ 25થી 30 જૂનની વચ્ચે ચોમાસાના આગમનની આગાહી કરી છે. આ પ્રદેશ દેશના દક્ષિણ અને મધ્ય ભાગો કરતાં થોડો મોડો મોસમી ફેરફારો દર્શાવે છે. પશ્ચિમ ભારતમાં 15થી 20 જૂન દરમિયાન ચોમાસાનો વરસાદ થવાની સંભાવના છે.
