ખાનગી કંપનીમાં દર મહિને 6000 રુપિયાના પગારની નોકરી કરનારાને આવક વેરા વિભાગે 3.49 કરોડ રુપિયા ભરવાની નોટિસ મોકલીને આશ્ચર્ય સર્જયુ છે. મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના રહેવાસી રવિ નુ કહેવુ છે કે, મને 30 માર્ચ,2019ના દિવસે આ નોટિસ મળી હતી.જેમાં આવકવેરા વિભાગે 17 જાન્યુઆરી સુધી 3.49 કરોડ રુપિયાની રકમ ભરવા માટે આદેશ આપ્યો હતો.મને સમજ નથી પડી રહી કે, મારી આવક તો મહિને 6000 રુપિયા છે તો મેં એવુ શું કરી નાંખ્યુ છે કે, મારે 3.49 કરોડ રુપિયા જમા કરાવવા પડે. રવિએ એ પછી તપાસ કરી તો ખબર પડી હતી કે, એક ગેરકાયદેસર બેન્ક ટ્રાન્ઝેક્શન માટે આ નોટિસ તેને મોકલાઈ હતી.મુંબઈમાં રવિના નામે કોઈએ એક્સિસ બેન્કમાં બોગસ એકાઉન્ટ ખોલ્યુ હતુ.જેમાં 2011માં 132 કરોડ રુપિયાનુ ટ્રાન્ઝેક્શન થયુ હતુ. રવિએ જ્યારે આ અંગે સ્પષ્ટતા કરવાની કોશિશ કરી ત્યારે આવકવેરા વિભાગમાંથી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતુ તેમ પણ તેનુ કહેવુ છે.