દેશમાં કોરોનાવાયરસનો પ્રસાર અટકે અને ઇકોનોમીના લીરેલીરા ઉડાવી દેતુ બીજુ લોકડાઉન ટાળવા માટે બોરીસ જ્હોન્સન £100 બિલીયનની વિશાળ અને સામુહિક ટેસ્ટીંગની ‘મૂનશોટ’ યોજના લાવવા વિચારી રહ્યા છે, જે અંતર્ગત જે એક દિવસમાં 10 મિલીયન જેટલા ટેસ્ટ કરવામાં આવશે. તેઓ માને છે કે વેક્સીનેશન પહેલાં વિશાળ અને ઝડપી ટેસ્ટીંગ કાર્યક્રમ બીજા રાષ્ટ્રીય લોકડાઉનને ટાળવાની અમારી એકમાત્ર આશા છે, એમ લીક થયેલા દસ્તાવેજોમાં જણાયું છે.

વડા પ્રધાનની આ આશા કેટલી કામે લાગશે તે અંગે લોકોમાં ચિંતા છે કારણ કે હાલના ટેસ્ટીંગ માટે પણ સરકાર સંઘર્ષ કરી રહી છે. આ યોજનાનો ખર્ચો યુકેના સંપૂર્ણ શિક્ષણ બજેટ જેટલો છે.

બગડતી સ્થિતિ અંગે ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર, પ્રો. ક્રિસ વ્હિટ્ટીએ જણાવ્યું હતું કે ‘’પોઝીટીવ કેસોમાં તાજેતરમાં થયેલો વધારો ચિંતાજનક બાબત છે. હવે અને વસંત ઋતુની વચ્ચે મુશ્કેલનો સમય  બનશે. જનતાએ આગામી ઘણા મહિનાઓ સુધી પ્રતિબંધક પગલાઓની અપેક્ષા રાખવી જોઈએ અને નવા વર્ષ પહેલા તેને ઉઠાવી લેવામાં નહીં આવે.’’

પહેલેથી ટેસ્ટીંગ સીસ્ટમ ભારે તાણમાં છે અને ટીકાકારો સરકાર પર અસમર્થતાનો આરોપ લગાવે છે ત્યારે વડા પ્રધાને તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “અનેક પડકારો છે, અમારે કામ કરવા ટેકનોલોજી, ઘણા ટેસ્ટીંગ કરવાના હોવાથી જરૂરી સામગ્રીનો સ્ત્રોત બનાવવાની અને કાર્યક્ષમ વિતરણ નેટવર્કની જરૂર છે. આપણે અસંખ્ય લોજિસ્ટિક પડકારોનો સામનો કરવાની જરૂર છે. કોઈ દેશે ન કર્યા હોય તેટલી સંખ્યામાં આ ટેસ્ટ કરવાના છે. મૂનશોટ પ્રોગ્રામ અંતર્ગત થિયેટરો અને રમતગમતનાં સ્થળોએ પ્રેક્ષકોનું ટેસ્ટીંગ કરી જેમના ટેસ્ટ નેગેટીવ હોય તેને જ પ્રવેશ આપવાનો છે. મૂનશોટ પ્રોજેક્ટ વડા પ્રધાનની ટોચની અગ્રતાનો પ્રોજેક્ટ છે.