યુકેમાં આ વર્ષના પ્રથમ આઠ મહિનામાં લગભગ 125,000 જેટલી રિટેલ નોકરીઓ ચાલી ગઇ છે. એક નવા અંદાજ મુજબ, ડેબેનહામ્સ, માર્ક્સ એન્ડ સ્પેન્સર સહિતની મોટી ચેઇન્સ પોતાના સ્ટોર્સ બંધ કરવામાં ઇન્ડીપેન્ડન્ટ શોપકીપર્સ સાથે જોડાયા છે.

સેન્ટર ફોર રિટેલ રિસર્ચ (સીઆરઆર) એ જણાવ્યું છે કે ‘’આશરે 32,598 લોકોને રોજગારી આપતા હજારો નાના સ્ટોર્સ સહિત 13,867 દુકાનો કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે. તા. 1 જાન્યુઆરીથી 31 ઑગસ્ટની વચ્ચે નાની દુકાનોમાં કામ કરતા કુલ 92,917 સહિત વિવિધ ચેઇન સ્ટોર્સમાં કામ કરતા કુલ 124,515 લોકોની નોકરીઓ ગઇ જેમાં એમ એન્ડ એસમાં 7,000, ડેબેનહામ્સમાં 2,500, બૂટ્સમાં 4,000 અને જ્હોન લુઇસમાંથી 1,300 નોકરીઓ શામેલ છે.

સીઆરઆરના ડિરેક્ટર પ્રોફેસર જોશુઆ બેમફિલ્ડે જણાવ્યું હતું કે ‘’વધતા જતા ખર્ચ અને ઑનલાઇન શોપિંગના કારણે “રિટેલ ઇન્ડસ્ટ્રીઝ રોગચાળા પહેલાથી જ સંકટમાં હતી. પરંતુ કોવિડ-19 રિટેલરો માટે જોરદાર ધક્કો છે.’’

સરકારની ફર્લો યોજના હોવા છતાં 2019ના સમાન સમયગાળાની તુલનામાં નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા 31.5% વધારે છે. યુકેની હાઇ સ્ટ્રીટમાં ખાલી દુકાનોની સંખ્યા છ વર્ષમાં સૌથી ઉચ્ચતમ સ્તર પર છે.

બેમફિલ્ડનો અંદાજ છે કે ડેબેનહામ્સ, મોન્સુન, ઓએસિસ, એમ એન્ડ કો અને કેથ કિડસ્ટન જેવી કંપનીઓ  એડમિનીસ્ટ્રેશનમાં જતાં 43,381 નોકરીઓ ગઈ છે. જ્યારે કંપની નોલંટીયરી એરેન્જમેન્ટ અંતર્ગત વધુ 10,556 નોકરીઓ ગઈ છે. પાઉન્ડસ્ટ્રેચર દ્વારા ખોટ કરતા સ્ટોર બંધ કરવા ઇન્સોલ્વન્સી પ્રક્રિયા વાપરવામાં આવી છે.