વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન રહેતા, ગુરુકૃપાથી રચનાત્મક બની છે. વિશ્વવિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારિબાપુએ ગયા સપ્તાહે રાજુલામાં રામકથા દરમિયાન કોરોનાના દર્દીઓ માટે રૂ. 1 કરોડનું દાન જાહેર કર્યું છે. પૂ. બાપુની જાહેરાત અનુસાર, મહુવાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકુટધામ, તલગાજરડા દ્વારા થઇ રહી છે. ઉપરાંત પૂજ્ય બાપુએ આજની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજન, ઇંજેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.

એમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવાકર્મીઓ તરફથી પાંચ લાખની વિત્તીય સેવાની જાહેરાત કરી. બાકીના ૯૫ લાખ આગામી દિવસોમાં જેના તરફથી વિત્તજા સેવા રૂપે મળશે, એ એક કરોડ રૂપિયા પૈકી પચ્ચીસ-પચ્ચીસ લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા – એ ચાર તાલુકામાં કોરોના સંદર્ભમાં જે પ્રમાણે જરૂરીયાત હશે એ પ્રમાણે યથાયોગ્ય રીતે વાપરવામાં આવશે. આપણે આપણાં સ્તરેથી જે કાંઈ કરી શકતા હોઈએ, એ કરી છૂટવાના ભાવ સાથે પૂજ્ય બાપુએ અશ્રુપૂર્ણ શબ્દોમાં વ્યાસપીઠની રચનાત્મક સેવાની જાહેરાત કરી.

અમરેલી જિલ્લાના રાજુલામાં મહાત્મા આરોગ્ય મંદિર હોસ્પિટલ અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના લાભાર્થે કથાકાર મોરારિબાપૂની રામકથાગત વર્ષે શરૂ થઇ હતી. જોકે કોરોનાના કેસ ગુજરાતમાં નોંધાતાની સાથે જ બાપુએ ચાલુ કથાને ત્રીજા દિવસે વિરામ આપી દીધો અને કથા પૂર્ણ કરી દેવાઇ હતી.

આ વર્ષે ફરીવાર બાપુએ 20 એપ્રિલે કથાનો પ્રારંભ કર્યો છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા આ કથા શ્રોતા વગર જ શરૂ કરવામાં આવી છે. શ્રોતાએ ઓનલાઇન અને ટીવી પર ઘરેથી કથા નિહાળી રહ્યા છે.