પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સરકારે શુક્રવારે લોકસભામાં માહિતી આપી હતી કે 2024માં બે લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો હતો. 2020માં 85,256, 2021માં 1,63,370, 2022માં 2,25,620, 2023માં 2,16,219 અને 2024માં 2,06,378 ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.

છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય નાગરિકતાનો ત્યાગ કરીને અન્ય દેશોની નાગરિકતા મેળવનારા લોકોની સંખ્યા અંગે પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ રાજ્યપ્રધાન કીર્તિ વર્ધન સિંહે આ માહિતી આપી હતી. પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આવા કેસ 2011માં 1,22,819, 2012માં 1,20,923, 2013માં 1,31,405 અને 2014માં 1,29,328 હતાં. ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવા અથવા વિદેશી નાગરિકતા લેવાના કારણો વ્યક્તિગત છે અને ફક્ત વ્યક્તિ જ જાણે છે. સરકાર નોલેજ ઇકોનોમીના યુગમાં ગ્લોબલ વર્કપ્લેસનુ મહત્ત્વ સમજે છે. સરકારે ભારતીય ડાયસ્પોરા સાથેના તેના જોડાણમાં પણ પરિવર્તન લાવી છે.

તેમણે કહ્યું હતું કે એક સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી ડાયસ્પોરા ભારત માટે એક સંપત્તિ છે, જે તેમના નેટવર્કનો ઉપયોગ કરીને અને આવા સમૃદ્ધ ડાયસ્પોરાથી મળતી સોફ્ટ પાવરનો ઉત્પાદક ઉપયોગ કરીને ઘણો ફાયદો મેળવી શકે છે. સરકારના પ્રયાસોનો હેતુ જ્ઞાન અને કુશળતાની વહેંચણી સહિત ડાયસ્પોરાની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે.

બીજા એક પ્રશ્નના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદેશી ભારતીયોની વસ્તી 3,43,56,193 છે, જેમાંથી 1,71,81,071 ભારતીય મૂળના લોકો (PIO) છે અને 1,71,75,122 બિન-નિવાસી ભારતીયો (NRI) છે.

LEAVE A REPLY