ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર વિવાદ વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈપણ વેપાર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. બીજી તરફ ભારત પણ અમેરિકાની ટેરિફનો સામનો કરવા માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિક્સ દેશોના વડાઓ સાથે વાતચીત કરી છે.
ભારતીય આયાત પરની ટેરિફને વધારીને 50 ટકા કરવામાં આવ્યા પછી ભારત સાથે વધુ વેપાર મંત્રણાની તમને અપેક્ષા છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં ઓવલ ઓફિસમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ના, જ્યાં સુધી અમે તેનો ઉકેલ ન લાવીએ ત્યાં સુધી નહીં.
બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ગ્રેગરી મીક્સે જણાવ્યું હતું કે ટ્રમ્પના તાજેતરના ‘ટેરિફ વોર’થી અમેરિકા-ભારત વચ્ચે વર્ષોના કાળજીપૂર્વકના પ્રયાસોથી રચાયેલી મજબૂત ભાગીદારી સામે જોખમ ઊભું થયું છે.
છેલ્લાં કેટલાક મહિનાઓમાં, ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર સોદા માટે વાટાઘાટોના અનેક તબક્કા યોજ્યા છે, પરંતુ કૃષિ અને ડેરી સહિતના કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તીવ્ર મતભેદોને કારણે તેમાં સફળતા મળી નથી. પ્રારંભિક વેપાર કરાર માટે દ્વિપક્ષીય વાટાઘાટોનો આગામી રાઉન્ડ 25 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાવાનો હતો. જોકે રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી બદલ ટેરિફે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદી છે, તેથી વેપાર મંત્રણા પર પણ અનિશ્ચિતતા ઊભી થઈ છે.
ટ્રમ્પના પગલાંનો સામનો કરવા ભારત વિવિધ વિકલ્પોની ચકાસણી કરી રહ્યું છે ત્યારે વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આજે દુનિયા ભારતની શક્તિઓ અને તેના વસ્તી વિષયક ફાયદાઓને ઓળખે છે. ભૂતપૂર્વ G20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે ભારતે ક્યારેય તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા ગુમાવવી જોઈએ નહીં અને અમેરિકા સાથે વેપાર સોદાઓની વાટાઘાટો કરતી વખતે ક્યારેય દબાણ સામે ઝૂકવું જોઈએ નહીં. દેશે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં જોવું જોઈએ તથા શાંત અને સંકલિત રીતે વર્તવું જોઈએ. ભારતે વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓને એક અનોખી તક માનીને અર્થતંત્રમાં મોટા સુધારા કરવા જોઇએ.
