અનેક ગ્રાહકો માટે લાઈફલાઈન બનતા ફૂડ બોક્સીઝ

મોરિસન્સે રમઝાન મહિનામાં મુસ્લિમ સમુદાયમાં ખૂબજ લોકપ્રિય વસ્તુઓ, વાનગીઓનો સમાવેશ કરતા ફૂડ બોક્સ રજૂ કર્યા છે, જેમાં પરંપરાગત વાનગીઓ તેમજ સ્ટેપ્લ્સનો પણ સમાવેશ થાય છે. આ બોક્સ સીધા ગ્રાહકોને તેમના ઘેર પહોંચાડવામાં આવશે. ખાસ કરીને મુસ્લિમ સમુદાય આ દિવસોમાં ખજૂર, ચીકન બ્રેસ્ટ ફિલેટ્સ વગેરે આહારમાં પસંદ કરતા હોય છે અને તે વસ્તુઓનો આ ફૂડ બોક્સીઝમાં સમાવેશ કરાયો છે.

આમપણ, હાલના કોરોના વાઈરસના રોગચાળા દરમિયાન મોરિસન્સ દ્વારા વિવિધ વર્ગના ગ્રાહકોને માટે પસંદગીની વસ્તુઓ, વાનગીઓ ધરાવતા ફૂડ બોક્સીઝની એક વિશાળ રેન્જ ઓફર કરવામાં આવી રહી છે. આ નવા ‘રમાદાન એશેન્સિયલ્સ બોક્સ’ની કિમતની રેન્જ £30 થી શરૂ થાય છે. તેનો ઓર્ડર કરાયા પછી તે બીજા દિવસે ડીપીડી દ્વારા ડિલિવર કરાશે. મોરિસન્સ વર્લ્ડ ફૂડ્ઝના સિનિયર બાયિંગ મેનેજર નૂર અલીએ જણાવ્યું હતું કે, આ બોક્સીઝમાં એવી અનેક પ્રોડક્ટ્સનો સમાવેશ કરાયો છે કે, જે મુસ્લિમ્સ આખો રમઝાન મહિનો ઉપયોગ કરી શકે. મુશ્કેલીના આ સમયમાં અમારા ફૂડ બોક્સીઝ અનેક ગ્રાહકો માટે લાઈફલાઈન બની રહે છે, ખાસ કરીને એવા લોકો માટે જે પોતાના ઘેરથી બહાર નિકળી શકે તેમ ના હોય અથવા તો જેમના માટે સુપર માર્કેટ્સ સુધી પહોંચવું ખૂબજ મુશ્કેલ હોય. લોકડાઉનના આરંભે મોરિસન્સે દર સપ્તાહે 10,000 બોક્સ બનાવવા અને મોકલાવનું શરૂ કર્યું હતું અને આગામી સપ્તાહોમાં તે આંકડો વધીને દર સપ્તાહે 200,000 બોક્સીઝનો થવાની ધારણા છે.

મોટી ઉંમરની વ્યક્તિકો કે પછી બિમારી કે શારીરિક તકલીફોના કારણે અસહાય સ્થિતિમાં મુકાયેલા લોકો અથવા તો કોરોનાના રોગચાળામાં સેલ્ફ આઈસોલેટ થયેલા લોકો માટે હોમ ડીલીવરીની સુવિધા ખૂબજ ઉપકારક બની રહે છે. હોમ ડીલીવરી માટે ગ્રાહકો મોરિસન્સ.કોમ અથવા તો એમેઝોન પ્રાઈમ ઉપર ઓનલાઈન પણ ઓર્ડર કરી શકે છે. તો ફોન ઉપર પણ ઓર્ડર બુકીંગની વ્યવસ્થા કરાઈ છે. ઓનલાઈન ઓર્ડર માટે ગ્રાહકોએ https://www.morrisons.com/food-boxes/boxes. ઉપર ઓર્ડર કરવાનો રહેશે.