વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના કારણે અર્થતંત્ર નબળું પડ્યું છે. અમેરિકામાં કોરોનાની વ્યાપક અસરને કારણે લાખો લોકોની રોજગારી પર ગંભીર અસર પડી છે અને છેલ્લા પાંચ અઠવાડિયામાં 26 મિલિયન લોકોએ બેરોજગારી લાભ માટે દાવો કર્યો છે. એવું કહેવાય છે કે, અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોજગારીનું જે ઐતિહાસિક સર્જન થયું હતું તેને એક જ મહિનામાં કોરોના વાઇરસ ભરખી ગયો છે.

અમેરિકામાં અનેક સ્થળે લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. નવેમ્બર મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વિજેતા થઇને ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટપદ બીજીવાર સંભાળવા ઇચ્છે છે, તેથી તેઓ અત્યારે નબળા પડેલા અર્થતંત્રને ઊભું કરવા મથામણ કરી રહ્યા છે.

આરોગ્યના નિષ્ણાતોએ નવા ચેપની સંભાવના વ્યક્ત કરી હોવા છતાં રીપબ્લિકનના શાસન હેઠળના રાજ્યોમાં ફરીથી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થતાં ટ્રમ્પે બુધવારે તેમના આ પગલાં પ્રશંસા કરી હતી. સાનફ્રાન્સિસ્કોમાં બેન્ક ઓફ ધ વેસ્ટના મુખ્ય અર્થશાસ્ત્રી સ્કોટ એન્ડરસને જણાવ્યું હતું કે, અમેરિકાના અર્થતંત્રમાં વ્યાપક રીતે નોકરીઓને નુકસાન થઈ રહ્યું છે જે અગાઉ ક્યારેય જણાયું નથી.

રોઈટર્સના ઇકોનોમિસ્ટ સર્વે અનુસાર 18 એપ્રિલે પૂર્ણ થયેલા અઠવાડિયામાં શરૂઆતના તબક્કે 4.2 મિલિયન લોકોએ બેરોજગારી લાભ મેળવવા માટે દાવો કર્યો હતો. બે મહિના કરતા ઓછા સમયગાળમાં આ આંકડામાં કલ્પના ન કરી શકાય એટલો વધારો થયો છે. સર્વેના અંદાજ મુજબ હવે આ દાવો કરનારાની સંખ્યા 5.50 મિલિયન હશે. અમેરિકામાં સપ્ટેમ્બર 2010થી ફેબ્રુઆરી 2020 સુધીમાં રોજગારીનું માતબર સર્જન થયું હતું અને તે સમયગાળામાં 22 મિલિયન લોકોને નોકરી મળી હતી.

અર્થશાસ્ત્રીઓના અનુમાન મુજબ માર્ચમાં નબળા અર્થતંત્રે 701,000 નોકરીઓનો ભોગ લીધો હતો અને પછી એપ્રિલમાં 25 મિલિયન લોકો બેરોજગાર થયા છે, જે 11 વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે. ન્યૂયોર્કમાં આરએસએમના મુખ્ય અર્થશાસ્ત્રી જોસેફ બ્રસ્યુલાસે જણાવ્યું હતું કે, લાંબાગાળે ઊભી થયેલી રોજગારી ધોવાઇ ગઇ છે, ફરીથી એકવાર અર્થતંત્ર શરૂ થશે ત્યારે નોકરી પરત મેળવવાના દાવા ઓછા હશે, પરંતુ આપણે પ્રમાણિક રહેવું પડશે, કારણ કે, દરેક વ્યક્તિને તેમની નોકરી પાછી નહીં મળે.

ઓઇલની કિંમતો, છૂટક વેચાણ, ઉત્પાદન, ઘરના વેચાણ વગેરેમાં લેબર માર્કેટની નકારાત્મક અસર પડી છે અને તે અર્થશાસ્ત્રીઓ વચ્ચેના વિવાદને વધુ ઘેરો બનાવશે કે માર્ચમાં અર્થતંત્ર મંદ પડ્યું હતું.અર્થશાસ્ત્રીઓ માને છે કે, કેટલાક લોકોને સરકારના ફરજિયાત ઘરમાં રહેવાનો આદેશને કારણે નોકરી ગુમાવવી પડી છે તેમને સુપરમાર્કેટ, વેરહાઉસ અને ડિલિવરી સર્વિસ કંપનીઓમાં કામ મળ્યું છે. તેમને અપેક્ષા છે કે, બેરોજગારીનો દર બીજા વિશ્વયુદ્ધ પછી નવેમ્બર 1982માં નોંધાયેલા 10.8 ટકાનો રેકોર્ડ તોડશે. બેકારીનો દર 0.9 ટકા વધ્યો છે, જેમાં જાન્યુઆરી 1975 પછીનો સૌથી મોટો એક મહિનાનો તફાવત છે, જે માર્ચમાં 4.4 ટકા હતો.