image social media

મોરીસન્સ સુપરમાર્કેટ વિશાળ પુનર્ગઠનના એક ભાગરૂપે 3,000 મેનેજર્સને છૂટા કરી પોતાના 500 સ્ટોર્સમાં શોપ ફ્લોર પરના વિવિધ વિભાગો માટે નવી 7,000 નોકરીઓ ઉભી કરશે. એ તમામ જોબ્સ માટે પર કલાક દીઠ પગાર ચૂકવવામાં આવશે. આમ તેઓ નવી 4,000 પોસ્ટ્સ ઉભી કરશે.
આ તમામ નવી જોબ્સ બૂચર્સ, બેકર્સ અને ફિશમોંગર્સ જેવા વિભાગોમાં કસ્ટમર ફેસિંગ રોલ માટે હશે એમ સુપરમાર્કેટે જણાવ્યું છે. જે મેનેજર્સ નોકરી ચાલુ રાખવા માંગતા હશે તેઓ આ નવા વિભાગોમાં કામ કરી શકશે.
બીજી તરફ સેઇન્સબરીએ 2016 માં ખરીદેલા આર્ગોસ સાથે ઇન્ટીગ્રેશન કરવા સુપરમાર્કેટમાં નવા રાઉન્ડમાં સેંકડો મેનેજમેન્ટ ભૂમિકાઓ પર કાપ મૂકવાની યોજના જાહેર કરી છે. માર્ચ 2019થી સેઇન્સબરીએ સીનીયર મેનેજમેન્ટ રોલમાંના દર પાંચમાંથી એક મેનેજરને છુટા કરી દીધા છે. ગયા વર્ષે 70 આર્ગોસ સ્ટોર્સ સેઇન્સબરી સુપરમાર્કેટના બિલ્ડીંગ્સમાં મૂવ કરી 500 મિલિયન પાઉન્ડની બચત કરવાની જાહેરાત કરી હતી.
સેઇન્સબરી કુલ 178,000 લોકોને રોજગારી આપે છે. સેઇન્સબરીના ચીફ એક્ઝિક્યુટિવ માઇક કૂપે જણાવ્યું હતું કે “હવે અને ભવિષ્યમાં અમારા ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવાનું ચાલુ રાખવા માટે અમારે અનુકૂલન કરવું પડશે.’’
મોરિસન્સ જૂથના રીટેઈલ ડાયરેક્ટર ડેવિડ લેપ્લીએ જણાવ્યું હતું કે “આ દરખાસ્તોથી પ્રભાવિત કેટલાક મેનેજરો માટે આ અનિશ્ચિતતા ટૂંક સમયની હશે અને અમે આ પ્રક્રિયા દ્વારા તેમને સમર્થન આપીશું. વધુ સુગમતા સાથે વધુ ભૂમિકાઓ પણ હશે જે પરિવારો ધરાવતા સાથીદારો માટે ખૂબ આકર્ષક છે.”
ડિસ્કાઉન્ટ સ્ટોર્સ તરફ વળી રહેલા ગ્રાહકોનો પ્રવાહ રોકવા માટે મોટી ચાર સુપરમાર્કેટ્સ આ બધા ફેરફારો કરી રહી છે. ગ્રાહકોને વધુ મોટા ડિસ્કાઉન્ટ આપી શકાય તે માટે તેઓ કર્મચારીઓના ખર્ચ ઘટાડી રહ્યા છે. તાજેતરના વર્ષમાં ટેસ્કો, સેઇન્સબરી અને આસ્ડાએ મેનેજમેન્ટ સ્તરે જોબ્સમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ખાસ કરીને ડિસ્કાઉન્ટ ચેઇન ઑલ્ડી અને લિડલ સામે તીવ્ર સ્પર્ધા હોવાથી માર્કેટ શેર ટકાવી રાખવા તેઓ મથામણ કરી રહ્યા છે.
આસ્ડાએ 2,800થી વધુ સ્ટાફ સાથે પરામર્શ શરૂ કરી હોવાના અહેવાલ છે અને એડમિન, કેશ, ઑફિસ અને કર્મચારીની ભૂમિકામાં કામ કરતા લોકોને કહેવામાં આવ્યું છે કે તેમની નોકરીઓ જોખમમાં છે.