કોરોના વાઈરસના રોગચાળાના કારણે નેપાલ સરકારે માઉન્ટ એવરેસ્ટ સર કરવાના અભિયાનો ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે. સરકારે જણાવ્યું છે કે, 14 માર્ચથી 30 એપ્રિલ સુધી માઉન્ટ એવરેસ્ટ ઉપર પર્વતારોહણની તમામ મંજૂરીઓ રદ્દ કરવામાં આવી છે. ચીન આ અગાઉ જ તેના ઉત્તરી વિસ્તારોના તમામ પર્વતોના આરોહણ ઉપર પ્રતિબંધ જાહેર કરી ચૂક્યું છે.

નેપાલના સાંસ્કૃતિક, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન યોગેશ ભટ્ટારાયે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને કારણે ટુરિસ્ટ વિઝા આપવાનું બંધ કર્યું છે અને નેપાળના તમામ પર્વત આરોહણ અભિયાનો પણ બંધ કરાયા છે.સૂત્રોના જણાવ્યા મુજબ નેપાલ સરકારને એવરેસ્ટ આરોહણની મંજૂરી બદલ દર વર્ષે ચાર મિલિયન ડોલરની આવક થાય છે, જે અન્ય પ્રવાસન આવકથી અલગ છે.

ભારત, અમેરિકા, ચીન, બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયાથી આવતા પર્વતારોહકો નેપાલ સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત છે. એવરેસ્ટ આરોહણ કરવું હોય તેઓએ સરકારને 11 હજાર ડોલર ચૂકવવા પડે છે અને સરકાર આ રકમ વધારવાનું પણ વિચારે છે. નેપાળમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસનો એક જ કેસ નોંધાયો છે.