એસેક્સ એન્ડ હર્ટ્સ એર એમ્બ્યુલન્સ સર્વિસ ચેરિટીના પ્રવક્તા ટોની સ્ટોન

દર વર્ષે હર્ટફોર્ડશાયરના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી વિવિધ ચેરીટી સંસ્થાઓને મદદ કરતી સિગ્મા ફાર્માસ્યુટિકલ પીએલસી દ્વારા વાર્ષિક કોમ્યુનિટી ફાર્મસી કોન્ફરન્સના ભાગરૂપે તાજેતરમાં એક ચેરિટી ઇવનીંગ કાર્યક્રમમાં એસ્સેક્સ એન્ડ હર્ટ્સ એર એમ્બ્યુલન્સ સર્વિસ માટે ફક્ત 2 કલાકમાં જ £41,000 એકત્ર કરવામાં આવ્યા હતા. ભૂતકાળમાં સિગ્મા દ્વારા બેઘર લોકો માટે કામ કરતી વૉટફર્ડ વર્કશોપ અને ધ ન્યૂ હોપ ચેરિટી જેવી સખાવતી સંસ્થાઓને ટેકો આપવામાં આવ્યો હતો.

પરિવાર દ્વારા સંચાલિત ફાર્માસ્યુટિકલ હોલસેલર સિગ્મા 1982થી વોટફર્ડમાં કાર્યરત છે. તા. 16થી 21 ફેબ્રુઆરી 2020 દરમિયાન યોજાયેલી કોન્ફરન્સમાં ફાર્માસિસ્ટ, ફાર્માસ્યુટિકલ સપ્લાયર, મીડિયા અને યુકેના આરોગ્ય ક્ષેત્રના લોકો સહિત સમુદાયના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

એસેક્સ એન્ડ હર્ટ્સ એર એમ્બ્યુલન્સ સર્વિસ ચેરિટીના પ્રવક્તા ટોની સ્ટોને જણાવ્યું હતું કે, “યુકેના ફાર્મસી સમુદાયની આ સખાવતથી અમને ખૂબ જ આનંદ થયો છે. સિગ્મા જેવી જાહેર અને ખાનગી સંસ્થાઓ પર અમારો ભરોસો હોવાથી જ અમે આટલી મહત્વપૂર્ણ સેવા આપી શકીએ છીએ. આજે સાંજે એકત્રિત કરાયેલુ ભંડોળ મોટા પ્રમાણમાં હોવા છતાં અમને આ સેવા ચાલુ રાખવા વધુ ભંડોળ સતત મળતુ રહે તે જરૂરી છે. એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ્સને સરેરાશ એક મિશન દીઠ £2500નો ખર્ચ થાય છે.’’

સિગ્માના કો-ચેરમેન કમલ શાહે ચેરિટી કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. જેમણે થોડા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં દુર્ભાગ્યે પત્ની ગુમાવી હતી પરંતુ તેમના નાના પુત્રને એર એમ્બ્યુલન્સ સેવા દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. કમલ શાહે જણાવ્યુ હતુ કે “વ્યક્તિગત સ્તરે, હું બચાવ કામગીરી, તેમની ઝડપ અને કાર્યક્ષમતા માટે એર એમ્બ્યુલન્સ સેવાનો પૂરતો આભાર માની શકતો નથી. પરંતુ જ્યારે રસ્તાની બાજુમાં ગંભીર ઇજા પામીને પડેલા મારા કુટુંબને મેં લગભગ ગુમાવી દીધુ હતુ ત્યારે તે સાંજે તેમણે ઝડપી કામગીરી કરી તેમનો બચાવ કર્યો હતો. સિગ્માને 2020 દરમિયાન આ સુયોગ્ય દાન સાથે ચેરીટીને પ્રયોજીત કરવામાં અને તેમની સાથે કાર્ય કરવા માટે સક્ષમ હોવા બદલ ખૂબ જ ગર્વ થાય છે.”

એક અકસ્માતનો ભોગ બનતા એર એમ્બ્યુલન્સ દ્વારા ‘ગોલ્ડન અવર’ની અંદર જ નિષ્ણાત હોસ્પિટલમાં લઈ જવાયેલા મિસ કેટ ઑલિવરે ચેરિટી ઇવેન્ટમાં પોતાના અનુભવ શેર કર્યા હતા.