એમપી સર ડેવિડ એમેસની હત્યા અને યુકેમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડવા બદલ લંડનના કેન્ટિશ ટાઉન ખતે રહેતા 26 વર્ષના અલી હરબી અલીને ઓલ્ડ બેઈલી કોર્ટ ખાતે ટ્રાયલ બાદ હત્યા અને આતંકવાદી કૃત્યોની તૈયારી માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આ જ કોર્ટમાં બુધવારે 13 એપ્રિલે સજા સંભળાવવામાં આવશે. તેણે 15 ઑક્ટોબર 2021ના રોજ, એસેક્સના લે-ઓન-સીમાં મતવિસ્તારની સર્જરીમાં સર ડેવિડ પર રસોડામાં વપરાતી છરી વડે હુમલો કર્યો હતો.

ધરપકડ બાદ અલીએ પોલીસને જણવ્યું હતું કે સીરિયામાં હવાઈ હુમલાને સમર્થન આપવા માટે મત આપ્યો હોવાથી લાંબા સમયથી તે સાંસદ પર હુમલો કરવાની ઈચ્છા ધરાવતો હતો. તેણે અન્ય રાજકીય વ્યક્તિઓને સંભવિત લક્ષ્યો તરીકે નક્કી કરી સંશોધન કર્યું હતું. તેનું આયોજન બે વર્ષથી વધુના સમયગાળામાં વિસ્તરેલું હતું. હત્યાના અઠવાડિયા પહેલા સંસદના ગૃહોની આસપાસ અલી દ્વારા જાસૂસી હાથ ધરી હોવાના પુરાવા મળ્યા હતા. તેણે 2019માં, એમપીના ઘર અને અન્ય બે સાંસદોની સર્જરીની પણ મુલાકાત લીધી હતી. તેના ફોનમાંથી હુમલાના આયોજનની નોંધો તેમજ તેણે એક્સેસ કરેલી ઉગ્રવાદી સામગ્રી મળી આવી હતી.

મેટના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડના ઓપરેશન્સના વડા અને ડિટેક્ટીવ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ડોમિનિક મર્ફીએ જણાવ્યું હતું કે “સર ડેવિડ એમેસ એક સમર્પિત જાહેર સેવક હતા. સ્થાનિક સમુદાય અને તેમના સાથીદારો તેમનો ખૂબ જ આદર અને પ્રશંસા કરતા હતા. તેમની અણસમજુ હત્યાએ રાષ્ટ્રને આઘાત અને ગભરાટ આપ્યો હતો.’’

તપાસમાં જાણવા મળ્યું કે અલી 15 ઓક્ટોબર 2021ના ​​રોજ નોર્થ લંડનથી વહેલી સવારની ટ્રેન પકડી સાઉથેન્ડ-ઓન-સીમાં બેલફેયર્સ મેથોડિસ્ટ ચર્ચમાં આયોજિત સર ડેવિડની મતવિસ્તારની સર્જરીમાં ગયો હતો. તેણે સર ડેવિડના સાઉથએન્ડ વેસ્ટ મતવિસ્તારના ભાવિ નિવાસી તરીકે ખોટી ઓળખ આપી હતી. તેને સર ડેવિડના મીટિંગ રૂમમાં લવાયા બાદ તેણે પોતાના મોબાઇલ ફોન પરથી પોતાની પરિવારને માફી માંગતો સંદેશ મોકલ્યો હતો અને તે શું કરવા જઈ રહ્યો છે તે જણાવતી વિગતો સંખ્યાબંધ લોકોને મોકલી રહ્યો હતો. અલીનો ફોન વાગતા જ તેણે 12 ઇંચની કિચન નાઇફ કાઢી સર ડેવિડના પેટ મારી દીધી હતી અને વધુ છરા મારતા પહેલા “સોરી” કહ્યું હતું.