એશિયાના સૌથી ધનિક ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગુરુવારે કતારના દોહામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યાં હતાં. આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ટ્રમ્પની વાપસી પછી મુકેશ અંબાણીની તેમની સાથેની આ બીજી મુલાકાત હતી.
દોહાના લુસૈલ પેલેસમાં કતારના અમીર દ્વારા ટ્રમ્પ માટે આયોજિત સત્તાવાર ડિનરમાં આ મુલાકાત થઈ હતી. મુકેશ અંબાણી ટ્રમ્પનું ઉષ્માભર્યું સ્વાગત કરતા અને અંદર જતા પહેલા થોડી મિનિટો તેમની સાથે વાતો કરતા ફિલ્માવવામાં આવ્યા હતા. તેમણે કતારના અમીર તમિમ બિન હમાદ અલ થાની સાથે પણ હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ અંબાણી યુએસ વાણિજ્ય પ્રધાન સ્ટીવ લુટનિક સાથે વાતો કરતા અને હસતા જોવા મળ્યા હતાં .
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્રૂડ ઓઇલથી લઇને રિટેલ સહિતના બિઝનેસ કરે છે અને તેમના બિઝનેસ યુએસ પ્રેસિડન્ટના નિર્ણયો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. રિલાયન્સે ગયા વર્ષે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલની આયાત ફરી શરૂ કરવા માટે અમેરિકા પાસેથી વિશેષ છૂટ મેળવી હતી. જોકે ટ્રમ્પે આ દક્ષિણ અમેરિકન દેશનું ક્રૂડ ઓઇલ ખરીદતા દેશો પર 25 ટકા ટેરિફ લાદવાની મંજૂરી આપ્યા બાદ રિલાયન્સે માર્ચમાં આયાત બંધ કરી હતી. રિલાયન્સ રશિયા જેવા દેશોમાંથી ખરીદેલા ક્રૂડ ઓઇલમાંથી બનેલા ગેસોલિન જેવા ઇંધણનું અમેરિકન બજારમાં વેચાણ કરે છે. આ ઉપરાંત ગૂગલ અને મેટા જેવી અમેરિકાની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓએ અંબાણીના ડિજિટલ સાહસમાં ઇક્વિટી હિસ્સો ખરીદેલો છે.
રિલાયન્સ કતાર સાથે પણ બિઝનેસ સંબંધો ધરાવે છે. આ ગલ્ફ રાષ્ટ્રના સોવરિન વેલ્થ ફંડ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA)એ અંબાણીના રિટેલ સાહસમાં આશરે એક બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.
મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી જાન્યુઆરીમાં ટ્રમ્પના બીજા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેઓ એવા પસંદગીના 100 લોકોમાં પણ સામેલ હતાં, જેમણે ટ્રમ્પના શપથગ્રહણના એક દિવસ પહેલાના કેન્ડલલાઇટ ડિનરમાં હાજરી આપી હતી. આ રાત્રિભોજનમાં અંબાણી દંપતી વાઇસ પ્રેસિડન્ટ જેડી વાન્સ અને તેમની પત્ની ઉષાને પણ મળ્યાં હતાં. અંબાણી પરિવાર ટ્રમ્પ પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવે છે. માર્ચ 2024માં જામનગરમાં અનંત અંબાણીની પ્રિ-વેડિંગ ઉજવણીમાં ટ્રમ્પની પુત્રી ઇવાન્કા, તેમના પતિ જેરેડ કુશનર અને તેમની મોટી પુત્રી અરબેલા રોઝ સામેલ થયાં હતાં.
