(Photo by Dimitrios Kambouris/Getty Images for The Met Museum/Vogue)

ન્યૂયોર્કની મેટ ગાલા ઇવેન્ટ વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ તરીકે ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ ઇવેન્ટમાં અત્યાર સુધી ખૂબ જ ઓછા બોલીવૂડ કલાકારોને બ્લુ કાર્પેટ પર ચાલવાની તક મળી છે. આ કાર્યક્રમમાં 2017માં પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણે ભારત તરફથી પ્રથમવાર પદાર્પણ કર્યું હતું. એ પછી 2023માં આલિયા ભટ્ટે અને આ વર્ષે કિઆરા અડવાણી અને શાહરુખ ખાને પણ મેટ ગાલા ઇવેન્ટમાં ડેબ્યુ કર્યું છે. આમ શાહરુખ મેટ ગાલાની બ્લુ કાર્પેટ પર એન્ટ્રી લેનાર બોલીવૂડનો પ્રથમ અભિનેતા બન્યો છે.

મેટ ગાલા 2025ની થીમ ‘સુપરફાઇન : ટેલરિંગ બ્લૅક સ્ટાઇલ’ હતી અને શાહરુખે થીમને અનુરૂપ ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇન કરેલો ઑલ બ્લૅક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં રૉયલ લૂકમાં દેખાતો હતો અને તેના આ લૂકથી ચાહકો પણ ખુશ થયા હતા. શાહરુખે પોતાના લૂકને કમ્પ્લીટ કરવા કેટલાક નેકપીસ લેયરિંગ સ્ટાઇલમાં પહેર્યા હતા જેના પર ‘SRK’ લખેલું હતું. એ સિવાય શાહરુખે મોટું લૉકેટ પહેર્યું હતું જેના પર ‘K’ લખેલું હતું. આ આઉટફિટ સાથે શાહરુખે ફ્લોર લેંગ્થનો ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. એ સિવાય તેણે હાથમાં સિગ્નેચર બેન્ગૉલ ટાઇગર વૉકિંગ સ્ટિક પણ રાખી હતી.

આ અંગે શાહરુખે કહ્યું હતું કે ‘મને આ ઇવેન્ટના ઇતિહાસ વિશે બહુ ખબર નથી, પણ હું બહુ નર્વસ અને ઉત્સાહી છું. મને મેટ ગાલા સુધી પહોંચાડવાનો સંપૂર્ણ શ્રેય સબ્યસાચીને જાય છે. સબ્યસાચીએ જ મને તેમાં ભાગ લેવા માટે માનસિક રીતે તૈયાર કર્યો હતો. જોકે અહીં આવવાનો અનુભવ બહુ શાનદાર રહ્યો. મારા કરતાં મારાં બાળકો આ ઇવેન્ટ માટે વધારે ઉત્સાહી હતાં અને તેઓ ગૌરવ અનુભવે છે. મેં સબ્યસાચીને એટલું જ કહ્યું હતું કે હું બ્લૅક ઍન્ડ વ્હાઇટ જ પહેરવા ઇચ્છું છું પણ તેણે મારા માટે જે આઉટફિટ ડિઝાઇન કર્યો છે એમાં હું બહુ કમ્ફર્ટેબલ અનુભવું છું.’

મેટ ગાલા 2025ની ઇવેન્ટ ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ ખાતે યોજાઈ હતી. ઇવેન્ટની બ્લુ કાર્પેટ પર એવી ઘટના બની જેનાથી શાહરુખના ફૅન્સ નારાજ થયા છે. આ ઇવેન્ટનો એક વિડીયો બહાર આવ્યો છે, જેમાં શાહરુખ બ્લુ કાર્પેટ પર ચાલતાં-ચાલતાં મીડિયા તરફ પહોંચી જાય છે. તે પહેલાં મીડિયાનું અભિવાદન કરે છે. આ પરિસ્થિતિમાં કોઈ રીપોર્ટર તેને તેનો પરિચય આપવાનું કહે છે ત્યારે શાહરુખ પોતાનો પરિચય આપતાં કહે છે કે હું શાહરુખ છું. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને શાહરુખના ફૅન્સને લાગે છે કે ભારતના આટલા મોટા સ્ટારને ન ઓળખીને ઇન્ટરનૅશનલ મીડિયાએ તેનું અપમાન કર્યું છે.

LEAVE A REPLY