મુંબઈમાં સરકારી સ્કૂલમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓ સોમવારે વેક્સિનનો ડોઝ મેળવવા માટે આઇડી કાર્ડ સાથે કતારમાં ઊભા છે. (ANI Photo)

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે આઠ હજારથી પણ વધારે કોરોનાનાં કેસો નોંધાયા બાદ મુંબઈ મ્યુનિસિલપલ કોર્પોરેશન સંચાલિત ધોરણ 1થી 9 અને 11ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો સોમવારે નિર્ણય સોમવારે કરવામાં આવ્યો હતો. જો કે, ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ રાબેતામુજબ ચાલુ રહેશે.

રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 11 હજારથી પણ વધારે કેસો નોંધાયા હતા. બીએમસીએ જાહેર કરેલ ગાઈડલાઈન અનુસાર ધોરણ 10 અને 12 સિવાયની તમામ શાળાઓ કે જે ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંલગ્ન છે તે બંધ રહેશે. તાત્કાલિક ધોરણથી ધોરણ 1થી 9 અને ધોરણ 11ની શાળાકીય પ્રવૃતિ ઓનલાઈન મોડથી કરવામાં આવશે. શાળાઓ દ્વારા 31 જાન્યુઆરી 2022 સુધી ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદની કોરોનાના કેસોની સ્થિતિ અંગે સમીક્ષા કરી નિર્ણય લેવામાં આવશે.

બીએમસી કમિશનર ઈકબાલ ચહલે જણાવ્યું હતું કે, અત્યારે અમારા 90 ટકાથી વધારે હોસ્પિટલોમાં બેડ ખાલી છે. અને કોઈપણ લક્ષણ વગરનાં દર્દીઓ 91 ટકા છે. માર્ચ 201માં બીજી ડેલ્ટા લહેર દરમિયાન મુંબઈમાં આટલી મોટી માત્રામાં કેસો જોવા મળ્યા હતા, ત્યારે હોસ્પિટલોમાં બેડ ખતમ થઈ ગયા. પણ આ વખતે અમે સારી રીતે તૈયારીઓ કરી છે. મુંબઈના મ્યુનિસિપલ કમિશનરને આશા છે કે આ લહેર ચાર અઠવાડિયામાં ધીમી પડી જશે. અગાઉ ઉત્તરપ્રદેશ, દિલ્હી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.