કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કારોબારી સભ્યોની સભા રવિવારે ઊંઝાના ઉમેશ્વર હોલ ખાતે યોજાઈ હતી. આ સભામાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરાઈ હતી.

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની કારોબારી સભામાં પ્રમુખપદ માટે બે દાવેદારો પ્રહલાદભાઈ પટેલ અને બાબુભાઇ જમનાદાસ પટેલનું નામ ચર્ચાતું હતું. આથી ઉમિયા ધામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. કારોબારી સભામાં એજન્ડા મુજબના કામો શરૂ થયા હતા, જેમાં અગાઉની મિટીંગના ઠરાવો અને પેટા કમિટીઓના સુધારેલા ઠરાવો વંચાણમાં લવાયા હતા. આ ઉપરાંત 15 કો ઓપ્ટ સભ્યો, પેટા કમિટીઓ, ચાર્ટડ એકાઉન્ટ અને બેન્ક ઓપરેટરની નિમણૂક કરવામાં આવી હતી. તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે બાબુભાઇ જમનાદાસ પટેલ બીજેપીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે ગટોરભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ અને મંત્રી તરીકે દિલીપભાઈ પટેલ નેતાજીની વરણી કરવામાં આવી હતી.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુભાઇ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે આજે મારી સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. પાટીદાર સમાજ દરેક સમાજને સાથે લઈ ચાલે છે. મને જે જવાબદારી આપવામાં આવી છે એ નાની નથી. વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય કોઈ વાત નહીં. પાટીદારો હમેશાં ભાજપની સાથે જ છે. તેમણે આગામી સમયમાં અમદાવાદ ખાતે નિર્માણ પામનાર ઉમિયા કેમ્પસ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.