ગુજરાત ભાજપે અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી ગુરુવારે જાહેર કરી હતી. ઉમેદવારોની યાદી જાહેર થતાંની સાથે પક્ષમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો.

ગુજરાત ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ વખતે ટિકિટને લઈને થઈ રહેલી પડાપડીને જોતાં કેટલાક નિયમો બનાવ્યા હતા, જે મુજબ 60 વર્ષથી વધુ ઉંમરનાને, ત્રણ ટર્મથી ચૂંટાતા હોય તેમને અને આગેવાનોના સગાંઓને ટિકિટ નહીં આપવાનો નિયમ બનાવ્યો હતો. દરેક મનપામાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી અને દરેક વોર્ડદીઠ 16 નામોની યાદી તૈયાર કરી તેમાંથી ફાઈનલ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ ઉમેદવારો 5 ફેબ્રુઆરીએ વિજય મુહૂર્તમાં એટલે કે, 12.39 કલાકે ફોર્મ ભરશે.

રાજકોટ મહાનગરપાલિકીમાં કુલ 72 ઉમેદવારોમાંથી માત્ર 12ને રિપિટ કરવામાં આવ્યા હતા, જ્યારે 39 નવા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા. સુરતમાં કુલ 119 ઉમેદવારોમાંથી માત્ર 13ને રિપિટ કરાયા હતા અને 95 નવા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા. વડોદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 76 ઉમેદવારોમાંથી માત્ર 15ને રિપિટ કરાયા હતા અને 51 નવા ઉમેદવારો પસંદ કરાયા હતા.

ભાજપે ગુરુવારે સૌથી પહેલા રાજકોટના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ પછી જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને અમદાવાદ મનપાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ, 144 વોર્ડના 576માંથી 575 ઉમેદવાર જાહેર થઈ ગયા છે, પક્ષે જામનગરમાં પાંચ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. તે સિવાય એક પણ શહેરમાં મુસ્લિમને ટિકિટ નથી અપાઈ. આ ચૂંટણીઓમાં 576 પૈકી તમામ બેઠક પર 60થી 70 કાર્યકરે દાવેદારી હતી.

અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો

ભાજપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ૧૯૨ ઉમેદવારોની યાદી ગુરૃવારે મોડી જાહેર કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ગઇ ટર્મમાં ભાજપની ટિકીટ ઉપરથી કોર્પોરેટર બનેલા ૧૪૨ કોર્પોરેટરોમાંથી માત્ર ૩૬ કોર્પોરેટરોને જ રીપીટ કરવામાં આવ્યા છે, જયારે ૧૦૬ કોર્પોરેટરોની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

બાપુનગર અને રામોલમાં પક્ષ પલ્ટુઓને માટે પાટીલે લાલ જાજમ પાથરીને ટિકીટ આપી છે. આ ઉપરાંત શાહીબાગમાંથી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય અને ભૂતપૂર્વ મેયર કાનાજી ઠાકોરના ભત્રીજાને તેમજ કુબેરનગરમાંથી પૂર્વ પ્રધાન ફકીર વાઘેલાની ભત્રીજીને ટિકીટ આપવામાં આવી છે. પક્ષ પ્રમુખ પાટીલે ઉમેદવારોની પસંદગી માટે નકકી કરેલાં ધોરણો વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીની પુત્રી માટે લાગુ કરવામાં આવ્યા હોય એમ બોડકદેવ વોર્ડમાંથી સોનલ મોદી દ્વારા ટિકીટ માંગવામાં આવી હોવા છતાં આપવામાં આવી નથી.

પક્ષમાં ભારે અસંતોષ

ઉમેદવારોની યાદી જાહેર થતાંની સાથે ભાજપમાં અસંતોષ ભડકી ઉઠયો હતો.પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે અગાઉ જાહેરાત કરી હતી તેમાં પક્ષ પલ્ટુઓ અને સગાવાદને પ્રોત્સાહન નહીં આપવામાં આવે. ઉમેદવારોની પસંદગી પક્ષ પલ્ટુઓ અને સગાવાદને પ્રાધાન્ય મળતાં ભાજપના જુના જોગીઓમાં ઉગ્ર અસંતોષ ભડકી ઉઠયો હતો. ભાજપમાં વર્ષો સુધી કામ કરતા આવેલા ટિકીટ વાંચ્છુઓમાં પ્રદેશ પ્રમુખની નિતી-રીતી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદના જે ૧૯૨ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.તેમાં રામ વિલાસ પાસવાનના લોક જનશકિત પક્ષમાંથી પક્ષ પલ્ટો કરીને ભાજપમાં આવેલા પ્રકાશ ગુર્જરને બાપુનગરમાંથી ઉમેદવારી કરવાની તક આપવામાં આવી છે. રામોલ-હાથીજણ વોર્ડના અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂકેલા એવા અતુલ પટેલના પુત્ર મૌલિક પટેલને પણ રામોલમાંથી ટિકીટ આપવામાં આવી છે.