મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડા (istockphoto.com)

કોરોના કેસોમાં મોટા ઘટાડાને પગલે ગુજરાતમાં 8 ફેબ્રુઆરી 2021થી કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ થશે. આ અંગે ગુરુવારે જાહેર કરતાં સરકારે જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝન સહિતની કોરોના ગાઈડલાઇન્સના પાલન સાથે આ વર્ગખંડો પુનઃ શરૂ કરવામાં આવશે. આ સાથે જ હોસ્ટેલ ફરી ખોલવા માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ હોસ્ટેલના એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહી શકે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8 ફેબ્રુઆરી 2021થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત સાથે ઠરાવ બહાર પાડ્યો હતો. આ ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડ મેનરમાં ગોઠવવાની રહેશે.

આ અંગે વધુ વિગતો આપતા શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે અંતિમ વર્ષ અને પ્રથમ વર્ષના વર્ગ ફી શરૂ કર્યા બાદની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા તેમજ સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.