રીજન્ટ્સ પાર્ક નજીકની લંડન સેન્ટ્રલ મસ્જિદ.(Chris J RatcliffeGetty Images)

મુસ્લિમ વિરોધી ભાવનાને આગળ વધારવા માટે કેટલાક ફાર રાઇટ જૂથો કોરોનાવાયરસ સંકટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા હોવાના આરોપોની યુકેની કાઉન્ટર ટેરર પોલીસ તપાસ કરી રહી છે.

મોનિટરિંગ જૂથ ટેલ મામાએ જણાવ્યું હતું કે ‘’માર્ચ માસમાં વાયરસના ફેલાવા માટે બ્રિટિશ મુસ્લિમોને દોષી ઠેરવવાનાં કથિત ફાર રાઇટ જૂથોની ડઝનેક ઘટનાઓને તેણે નોંધી હતી. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા અસંખ્ય દાવાઓનુ તેણે ખંડન કરવું પડ્યું હતું કે મુસ્લિમો મસ્જિદોમાં નમાઝ પઢવા માટે સતત લોકડાઉનનો ભંગ કરે છે. એવી પણ ઘટનાઓ છે કે જ્યાં મુસ્લિમો પર હુમલો થયો હતો.

એક અગ્રણી શ્વેત રાષ્ટ્રવાદીની ટ્વિટમાં જણાવવામાં આવ્યુ હત કે મુસ્લિમો વેમ્બલીની એક મસ્જિદની બહાર એકઠા થઇને લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. ઇંગ્લિશ ડિફેન્સ લીગ (ઇડીએલ) ના સ્થાપક અને ભૂતપૂર્વ નેતા, ટોમી રોબિન્સન દ્વારા ટેલિગ્રામ પર શેર કરાયેલ વિડિઓમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મુસ્લિમ જૂથ બર્મિંગહામમાં “ગુપ્ત મસ્જિદ”માંથી બહાર આવતુ બતાવ્યુ હતુ. આ વિડિઓ 10,000 વખત જોવાયો હતો.

ટેલ મામાના ડિરેક્ટર ઇમાન આટ્ટાએ જણાવ્યું હતું કે “આ ઉગ્રવાદીઓ કોરોનાવાયરસનો ઉપયોગ તેમના વ્યાપક સંદેશને મેળવવા માટે કરી રહ્યા છે અને ઠસાવવા માંગે છે કે કોઈક રીતે વાયરસના ફેલાવા માટે મુસ્લિમ સમુદાયો જવાબદાર છે.’’

કેટી હૉપકિન્સે ભારતમાં પોલીસ મસ્જિદમાં ભેગા થવા ગયેલા લોકોને મારે છે તેવો વિડીયો હમ્બસાઇડ પોલીસને ટેગ કરી મૂક્યો હતો. 18 માર્ચે સાઉથ લંડનના ક્રોયડનમાં હિજાબ પહેરેલી મહિલા પર કથિત હુમલો કરાયો હતો.