મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં 11 માર્ચ 2021ના રોજ કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. (PTI Photo)

કોરોનાના કેસોમાં ઉછાળો આવતા મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં 15થી 21 માર્ચ સુધી સાત દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન દરમિયાન માત્ર જીવન જરૂરી સામાનોની દુકાનો અને સેવાઓ ચાલુ રહેશે, એમ રાજ્યના પ્રધાન નિતિન રાઉતે ગુરુવારે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ ગુરુવારે જણાવ્યું હતું કે કોરોનાના ફેલાવાને અટકાવવા માટે રાજ્યના કેટલાંક ભાગોમાં આકરા લોકડાઉન પગલાંનો અમલ કરાશે. સરકાર લોકડાઉનના પગલાં પહેલા અધિકારીઓ સાથે ખાસ મીટીંગ કરી હતી.

સરકાર સંચાલિત જે જે હોસ્પિટલમાં વેક્સિન લીધા બાદ 60 વર્ષીય ઠાકરેએ આ જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાઇરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 13,659 નવા કેસ નોંધાયા હતા, જે આ વર્ષે કોરોનાના કેસોમાં એક દિવસમાં સૌથી મોટો વધારો છે. પુણેમાં સૌથી વધુ 2507 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 22,52,057 કેસ નોંધાયા છે અને 52,610 લોકોના મોત થયા છે.