પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં ડાયાલિસિસના દર્દીઓને રાહત મળે તેવી એક હિલચાલમાં અમદાવાદ સ્થિત ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)એ સમગ્ર રાજ્યમાં સંકલિત હોય તેવા ડાયલિસિસ નેટવર્ક ‘વન ગુજરાત, વન ડાયાલિસિસ’નો સોમવારે પ્રારંભ કર્યો હતો.

આ યોજના દ્વારા દરેક દર્દી ગુજરાતભરમાં ફેલાયેલા ૭૯ જીડીપી સેન્ટર્સમાંથી કોઇપણ સ્થળે નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત ડાયાલિસિસ સુવિધાનો ઉપયોગ કરી શકે છે અને સતત એક જ સ્થાને ડાયાલિસિસ કરાવવા માટેના અવરોધનો સામનો નહીં કરવો પડે. આ માટે દર્દીએ જીડીપી સેન્ટરમાં નોંધણી કરાવવી પડશે. નોંધણી થઇ ગયા બાદ મેડિકલ હિસ્ટ્રી, ડાયાલિસિસ ટાઇમલાઇન અન્ય કોઇપણ જીડીપી સેન્ટર્સમાંથી ઓનલાઇન જોઇ શકાય છે. દર્દીએ તેના મૂળ સેન્ટર સિવાયના કોઇપણ જીડીપી સેન્ટર્સ પર ડાયાલિસિસ સેવા મેળવવા માત્ર કોલ પર વિશેષ ઓળખ નંબર આપીને ડાયાલિસિસ સેશન સ્લોટ બૂક કરવાનો રહેશે.